નાયબ મુખ્યમંત્રીના ૬૫મો જન્મદિવસે કડી ખાતે ૧૧૧૧ રક્ત યુનિટ એકત્રિત કરવા માટે રક્તદાન સપ્તાહનું આયોજન
મહેસાણા અને કડીમાં ૭૫ હજાર કરતાં વધુ નાગરિકોને વિટામિન યુક્ત ‘બી નેચરલ જ્યુસ’નું વિતરણ પાટણ જિલ્લામાં રક્તદાન કેમ્પ સહિત ૬૫ હજાર માસ્કનું વિતરણ ઃ ૧૭૦૦ સગર્ભા બહેનોને પૌષ્ટિક આહાર વિતરણ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે તેમનો ૬૫મો જન્મદિન પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ માનવીય અભિગમ સાથે સેવાકીય કામો સહિત આરોગ્યલક્ષી કાર્યક્રમો સાથે ઉજવ્યો છે. વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ થકી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે.
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના જન્મદિન નિમિત્તે દર વર્ષે રક્તદાન કેમ્પ થકી ૧ હજાર યુનિટ રકત એકત્રિત કરવામાં આવે છે. એ જ રીતે આ વર્ષે પણ શ્રી નીતિનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ શ્રી સત્તાવીસ સમાજ સરદાર યુવક મંડળ કડી દ્વારા ૧૧૧૧ રક્ત યુનિટ એકત્રિત કરવા રક્તદાન સપ્તાહનું આયોજન કરાયું છે. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ કડી ખાતે રક્તદાન કેમ્પમાં ઉપસ્થિત રહીને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.
કોરોનાની હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને નાગરિકોની રોગપ્રતિકારક શક્તિ વધે એ માટે મહેસાણાના કડી ખાતે ૭૫ હજાર કરતા વધુ નાગરિકોને વિટામીનયુક્ત ‘બી નેચરલ જ્યુસ’ ટેટ્રાપેકનું વિતરણ કરાયું હતું. તે ઉપરાંત પાટણ જિલ્લામાં પણ રક્તદાન કેમ્પ યોજીને નાગરિકોને ૬૫ હજાર માસ્કનું વિતરણ, ૧૦૬૫ વૃક્ષોનું વાવેતર અને એક હજાર સગર્ભા બહેનોને પૌષ્ટિક આહાર કિટનું વિતરણ તેમજ ધારપુર હોસ્પિટલ ખાતેના દર્દીઓને તથા તેમના સગાઓને મિષ્ટાન સાથેનું ભોજનનું આપવામાં આવ્યું હતું. તદુપરાંત વિદ્યાર્થીઓને ૧૫ હજાર જેટલી નોટબુકનું વિતરણ કરાયું હતું.
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જન્મદિન નિમિત્તે સવારે એમના વતન કડી ખાતે આવેલ યવતેશ્વર મહાદેવના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને ૬૫માં વર્ષનો પ્રારંભ કર્યો હતો. કડીના કરણનગર રોડ પર આવેલા શ્રી ગાયત્રી શક્તિપીઠ મંદિરમાં પણ તેમણે પૂજન-અર્ચન કરી આશિર્વાદ મેળવ્યા હતા. તેમણે દેશ અને રાજ્યમાં ચાલી રહેલ કોરોનાની વૈશ્વિક મહામારી સામે સમગ્ર દેશ અને રાજ્ય ઝડપથી મુક્ત થાય તેવી દેવાધિદેવ મહાદેવને પ્રાર્થના કરી હતી. નાયબ મુખ્ય મંત્રીશ્રીના જન્મદિનની ઉજવણી પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓ સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્થાઓના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.