નારણપુરાઃ બેંક કર્મચારીની ઓળખ આપી વૃધ્ધ સાથે ર૦ હજારની છેતરપીંડી
(પ્રતિનિધિ) અમદાવાદ : નારણપુરા વિસ્તારમાં આવેલા એક એટીએમ સેન્ટરમાં પૈસા ઉપાડવા ગયેલા વૃધ્ધને ગઠીયાનો ભેટો થઈ જતાં તેમણે રૂપિયા વીસ હજાર ખોવાનો વારો આવ્યો છે.
મણીલાલ શ્રીમાળી (૬૦) ચાંદખેડા આઈઓસી રોડ ખાતે રહે છે અગાઉ અમીકુંજ ચાર રસ્તા ખાતે પોસ્ટ ઓફીસમાં નોકરી કરતા મણીલાલ હાલ પણ પોતાની સેવા આપે છે ગઈકાલે તે બપોરના બે વાગ્યે પ્રગતિનગર ખાતે આવેલા જયમંગલ બીઆરટીએસ બસ સ્ટેન્ડ સામે આવેલી એસબીઆઈ બેંકના એટીએમમાં રૂપિયા ઉપાડવા ગયા હતા જયાં અચાનક જ આવેલા એક શખ્સે પોતાની બેંક કર્મચારી તરીકે ઓળખ આપી મશીન બંધ હોવાથી બાજુના મશીનનો ઉપયોગ કરવા કહ્યું હતું.
ચાલાક ગઠીયો તેમને બીજા એટીએમમાં દોરી ગયો હતો જયાંથી ત્રીજા મશીન આગળ લઈ ગયો હતો દરમિયાન રૂપિયા ન નીકળતા તે શખ્સ ત્યાંથી જતો રહયો હતો. દરમિયાન બીજા એક શખ્સ ત્યાં આવીને એટીએમમાંથી વીસ હજાર ઉપાડી ગયો હતો ત્યારે તુરંત જ તેમના મોબાઈલમાં મેસેજ આવતા પોતાની સાથે છેતરપીંડી થવાની જાણ થતાં તે નારણપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.