નારણપુરામાં ઈજા કરી લુંટ કરનાર ત્રણ પકડાયા
(સારથી એમ.સાગર)અમદાવાદ, શહેરમાં આજકાલ લુંટ અને ખૂન જેવી ગંભીર ઘટનાઓમાં વધારો થયો છે. ત્યારે ઊત્તરાયણની સાંજે નારણપુરા વિસ્તારમાંથી પસાર થતાં એક વૃદ્ધને રોકી ૭ હજારથી વધુ રોકડ રકમની લુંટ ચલાવવામાં આવી હતી.
ઉપરાંત વૃદ્ધને ઈજા પણ પહોંચાડવામાં આવી હતી. આ ઘટનામાં સંડોવાયેલા બે સગીર સહિતનાં ત્રણ આરોપીઓને ક્રાઈમ બ્રાંચે બાતમીને આધારે ઝડપી લીધા છે.
આ અંગેની વિગત એવી છે કે ૧૪ જાન્યુઆરીની સાંજે નારણપુરા પોલીસ સ્ટેશન હદમાં વૃદ્ધ વ્યક્તિને નારણપુરા ટર્ફ સ્કુલથી શાંતિ નિકેતન સ્કુલ વચ્ચે છરી જેવાં સાધન વડે ઈજા પહોંચાડી રોકડ રકમની લુંટની ઘટના બની હતી. જેમાં આરોપીઓ ફરાર હતા.
આ ઘટના બાદ શહેર ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ બ્રહ્મભટ્ટની ટીમને આરોપીઓ અંગે બાતમી મળતાં તેમને પ્રભાત ચોકથી ઝડપી લેવામાં આવ્યા હતા. ત્રણ આરોપીઓ વિજય ઠાકોર (૧૯) રહે.ઠાકોરવાસ, સોલા બ્રીજ ઉપરાંત બે સગીર પણ સામેલ છે. ક્રાઈમ બ્રાંચે ત્રણેયને નારણપુરા પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.