નારણપુરામાં ભાડાના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચતાં બેની અટક
અમદાવાદ: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો યેનકેન રીતે સમગ્ર રાજ્યમાં દારૂ ઘુસાડવામાં સફળ રહે છે. અન્ય રાજ્યોમાંથી આવતી ટ્રકો શહેરમાં રોકાયા બાદ વહેંચાઈ જતો દારૂનો જથ્થો બાદમાં સ્થાનિક બુટલેગર દ્વારા છુટક વેચવામાં આવતો હોય છે. નારણપુરા પોલીસે શાસ્ત્રીનગર નજીકથી આવી જ રીતે ઘરમાં સંતાડીને દારૂનો ધંધો કરતા શખ્સને ઝડપી લીધો છે. ઊપરાંત આશરે ૯૦ હજાર રૂપિયાનો ઈંગ્લીશ દારૂનો જથ્થો પણ જપ્ત કર્યાે છે.
આ અંગેની વિગત એવી છે કે, નારણપુરા પોલીસની એક ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી હતી ત્યારે એક શખ્સ પોતાનાં કાકાની સાથે મળીને ઈંગ્લીશ દારૂનો ધંધો કરતો હોવાનું સામે આવ્યું હતું. જેનાં આધારે પોલીસે શાસ્ત્રીનગરમાં આવેલા અભિમન્યુ ફ્લેટનાં પહેલે માળ આવેલાં મકાનમાં દરોડો પાડ્યો હતો. તમામ રૂમ તપાસતાં તેમાંથી ખોખામાં પેક કરેલી અવસ્થામાં દારૂની બોટલો મળી આવી હતી.
પોલીસે તમામ ખોખા તપાસતાં આશરે ૯૦ હજારની કિંમતનો ઈંગ્લીશ દારૂ મળી આવ્યો હતો. આ અંગે રેઈડ વખતે મકાનમાંથી પકડાયેલાં શખ્સોની પૂછપરછ કરતાં દિપક અરૂણ જાેષી (અંબીકા એપાર્ટમેન્ટ, ઘાટલોડિયા) અને કૈલાશ કુલદીપ હોવાનું જણાયું હતું. દિપક અને કૈલાશ બંને ભેગા મળીને ભાડાનાં આ મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો મુકી રાખતાં હતાં.
જ્યારે કૈલાશ પોતાની રીક્ષામાં માલની ડીલીવરી કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે બંનેની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે અને બંને કોની પાસેથી દારૂ લાવીને કોને વેચતાં હતા અન્ય કોઈ તેમની સાથે સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં તપાસ આદરી છે.