નારણપુરામાં ATM તોડવાનો પ્રયાસ કરી રહેલો ચોર પોલીસને હાથે ઝડપાયો
(પ્રતિનિધિ) અમદાવાદ: નારણપુરા પોલીસને બુધવારે મધરાત્રે એક એટીએમમાં ચોરી થઈ રહી હોવાનો મેસેજ મળ્યો હતો જેને પગલે પીસીઆર વાન ઘટના સ્થળે પહોંચતા જ બે ચોર ભાગવા લાગ્યા હતા જેમાંથી પીછો કરીને એકને ઝડપી લેવાયો હતો બાદમાં પકડાયેલા ચોર તથા તેના સાગરીત વિરુધ્ધ ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે.
નારણપુરા પોલીસની પીસીઆર વાનને કંટ્રોલરૂમમાંથી સ્વામીનારાયણ એવન્યુના એટીેએમમાં ચોરી થઈ રહી હોવાનો મેસેજ મળ્યો હતો જેને પગલે પીએસઆઈ જાડેજા રાત્રે અઢી વાગ્યાના સુમારે ઘટના સ્થળે પહોંચતા બે ચોર સતર્ક થઈ ગયા હતા જેમાંથી એક કોન્સ્ટેબલ પુંજાભાઈને ધક્કો મારી નીચે પાડીને બીઆરટીએસ તરફ ભાગ્યો હતો અને જેનો પીછો કરવા છતાં તે અંધારામાં ઓઝલ થઈ ગયો હતો
જયારે બીજાે શખ્સ એઈસી ટોરેન્ટની ઓફીસ તરફ ભાગ્યો હતો જે દોડતા- દોડતાં નીચે પટકાતાં તેને ઝડપી લેવાયો હતો બાદમાં પુછપરછ કરતાં તેણે પોતાનું નામ દિપક ચૌધરી (હાલ રહે. રામાપીરનોટેકરો, વાડજ, મુળ. દિલ્હી) અને તેના સાગરીતનું નામ જીતેન્દ્ર (ચાણક્યપુરી) હોવાનું કહયું હતું દિપકના જણાવ્યા અનુસાર તે બંને કાળીગામ ભેગા થયા બાદ જીતેન્દ્રના મોટર સાયકલ પર બેસી નારણપુરા એચડીએફસીના એટીએમમાં આવ્યા હતા અને ચીપીયાથી એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસે એટીએમ આગળથી મોટરસાયકલ તથા ચીપીયો જપ્ત કરીને દિપક અને જીતેન્દ્ર વિરુધ્ધ એટીએમ તોડવાનો પ્રયાસનો ગુનો નોંધી જીતેન્દ્રને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.