Western Times News

Gujarati News

નારણપુરા વિસ્તારનો શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ સમર્પણ નિધિ કાર્યક્રમ યોજાયો

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ રાષ્ટ્રીય સ્વાભિમાનની પુનઃ પ્રતિષ્ઠા સમાન છે -મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલ

મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલે જણાવ્યું છે કે, દરેક રાષ્ટ્રને પોતાની એક આગવી છબી હોય છે. અમેરિકા તેની ટેકનોલોજી, સુચારું વ્યવસ્થા માટે ઓળખાય છે, તો ઇંગ્લેન્ડ તેના કાયદા-કાનૂનના અમલીકરણ માટે ઓળખ ધરાવે છે. તે જ રીતે ભારત તેની આધ્યાત્મિકતા, શ્રદ્ધા અને માનવતા માટે વૈશ્વિક ઓળખ ધરાવે છે.

નારણપુરા વિસ્તારના શ્રી રામ જન્મભૂમિ મંદિર સમર્પણ નિધિ કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે, શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ એ રાષ્ટ્રીય સ્વાભિમાનની પુનઃ પ્રતિષ્ઠા સમાન છે. મંત્રીશ્રીએ કહ્યું કે, જે રીતે શરીરની ધોરીનસ કપાઈ જાય તો માણસ ન બચે તે જ રીતે મંદિરો એ ભારતની ધોરી નસ સમાન છે.

જો તે જ ન બચે તો રાષ્ટ્ર પણ બચી શકશે નહીં. શ્રી રામ મંદિર માટે હજારો વર્ષના શ્રદ્ધાના સંઘર્ષ પછી સત્યનો આખરે વિજય થયો છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો માર્ગ મોકળો થયો છે તેમ જણાવી તેમણે ઉપસ્થિતોને જ્યારે જ્યાં જરૂર પડે ત્યાં ઉપયોગી બનવા અપીલ કરી હતી.

આખું વિશ્વ કોરોનાથી ગ્રસ્ત છે પરંતુ આપણે આપણા પુરાતન આયુર્વેદ શાસ્ત્ર અને ઋષિમુનિઓએ સૂચવેલા આધ્યાત્મિક માર્ગને કારણે આ વૈશ્વિક મહામારીનો પણ મક્કમતાથી સામનો કરી શકયા છીએ.

તેના મૂળમાં યોગ- આયુર્વેદની પુરાતન સંસ્કૃતિ રહેલી છે.પશ્ચિમના દેશો પાસે આ સંસ્કૃતિ નથી તેથી તેઓ તેની સામે ઝઝૂમી રહ્યા છે. તેમણે કહ્યું કે, રામ જીવનકથા નથી, પરંતુ રામ ચરિત્ર કથા છે. રામાયણની કથામાં જીવનરૂપી તમામ સંદેશ રહેલો છે.

સ્વામિનારાયણ મંદિર ઝુંડાલના સ્વામી શ્રી પુરુષોત્તમ ચરણદાસજીએ કહ્યું કે, રાષ્ટ્ર, ધર્મ, સંસ્કૃતિનો સમન્વય એક સાથે મંદિર સાથે જોડાયેલો છે. જે રીતે દરિયામાં ફસાયેલા વ્યક્તિ માટે દિવાદાંડી માર્ગદર્શક બને છે. તે જ રીતે ભારતીય સંસ્કૃતિમાં મંદિરો દીવાદાંડી બની સમાજ જીવનનું માર્ગદર્શન કરે છે.

આ સમર્પણ નિધિ કાર્યક્રમમાં પૂર્વ મેયર શ્રી ગૌતમભાઈ શાહ, નારણપુરા ઝોનના હરેશભાઈ ઠક્કર, પારસભાઈ તારકભાઈ સહિત નારણપુરા  વિસ્તારના લોકો  ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.