નારમાં લગ્ન પ્રસંગે વરઘોડામાંથી વરરાજા જ ફરાર

(પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદ તાલુકાના નાર ગામે ગતરોજ વૃંદાવન વાડી ખાતે એક લગ્ન પ્રસંગ હતો. જે પ્રસંગે દુલ્હા રાજાનો વરઘોડો નાર ગામમાં નીકળ્યો હતો. આ સમયે યુવકની પ્રથમ પત્ની આવી પહોંચી યુવક પરિણીત હોવાનું જણાવ્યું હતું. જેને કારણે દુલ્હા રાજા ચાલુ વરઘોડામાંથી જ નૌ દો ગ્યારહ થઈ ગયો હતો. આ યુવક તથા તેના કુટુંબીજનોએ પ્રથમ પત્ની સાથે છૂટાછેડા થયાના ખોટા પેપર્સ બતાવી એનઆરઆઈ યુવતી સાથે લગ્ન નક્કી કર્યા હોવાની વાતો ચર્ચાસ્પદ બનવા પામી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વિદ્યાનગર ખાતે પાલિકા નગર પાસે પાર્થ શ્રીકાંતભાઈ પટેલ રહે છે. તેઓને સોશ્યલ મિડીયા દ્વારા બાકરોલની અમિષા ચૌહાણ સાથે પ્રેમ થયો હતો. સમય જતાં આ બંન્નેએ તા.૯ ઓગષ્ટ ૨૦૧૯ના રોજ ઠાસરાના ઢૂંણાદરા ખાતે લગ્ન રજીસ્ટર કરાવ્યા હતા.
ત્યારબાદ આ અમિષા પોતાના સાસરે વિદ્યાનગર રહેતા હતા. શરૂઆતના સુખમય લગ્ન સંસાર બાદ ઘરકંકાસ શરૂ થયો હતો. જેથી અમિષાએ આણંદ સ્થિત મહિલા પોલીસ મથકે એક અરજી તા.૧૪ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ આપી હતી. જેમાં પોતાની આપવિતી જણાવતા રજૂઆત કરી હતી કે તેમના સાસુ – સસરા મ્હેણાં ટોણાં મારે છે કે તું અમારી જ્ઞાતિની નથી એટલે તારો અમે સ્વિકાર કરતા નથી.
તું ફક્ત કામવાળી જ છે. તું દહેજમાં પણ કંઈ લાવી નથી. તને કોઈ ઘરકામ આવડતું નથી. આવી અનેક પ્રકારની નાની મોટી ફરિયાદો સાથે પતિ પાર્થ મારઝૂડ કરતાં હોવાનો આક્ષેપ પણ આ અરજી દ્ધારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ અમિષાના પિતાનું અવસાન થયું હોવાના કારણે તે પિયર ગઈ હતી. ત્યારપછી અમિષાને પાર્થ ક્યારેય સાસરીમાં લઈ ગયો ન હતો. ઉપરાંત પાર્થનુ બીજી યુવતી સાથે આડાસંબંધ હોવાનું અમિષાએ આ અરજીમાં ઉલ્લેખ કર્યો હતો.
આ મહિલા પોલીસ મથકમાં અરજી આવ્યાને દોઢેક મહિનાનો જ સમય ગયા બાદ પાર્થના બીજા લગ્ન નાર મુકામે યોજાઈ રહ્યા હોવાની જાણ અમિષાને થઈ હતી. જેથી ગતરોજ સાંજે અમિષા અને કુટુંબીજનો નાર દોડી ગયા હતા. જ્યાં જઈ પાર્થ સાથે બીજા લગ્નમાં જાેડાવા જઈ રહેલ યુવતી તથા તેના કુટુંબીજનોને આ તમામ માહિતીથી વાકેફ કરતાં હોબાળો મચી ગયો હતો. તે સમયે પાર્થ દુલ્હા રાજા બની વરઘોડા સાથે મેરેજ હોલ આવી રહ્યા હતા.
પરંતુ આ વાતની જાણ થતાં જ દુલ્હા રાજા પાર્થ બગીમાંથી ચાલુ વરઘોડાએ નીકળી જઈ ફરાર થઈ ગયો હતો. આ અંગેની જાણ કરતી લેખિત અરજી પેટલાદ રૂરલ પોલીસ મથકે આપી હતી. જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હજી અમારા છૂટાછેડા થયા નથી તો આ લગ્ન કેવી રીતે થઇ શકે ? મેં છૂટાછેડાના કોઈ જ પેપર્સંમાં સહિ કરી જ નથી તો પાર્થ અને તેના મા – બાપ છૂટાછેડાના ક્યા ડોક્યુમેન્ટ લોકોને બતાવી રહ્યાં છે ?
પોલીસ ફરિયાદ દાખલ કરતી નથી – અમિષા
આ સમગ્ર મામલે અમિષા ચૌહાણ તેમના ભાઈ મનિષ ચૌહાણ તથા અન્ય કુટુંબીજનો ગતરાત્રીએ લગભગ ચાર કલાક સુધી પેટલાદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવા બેસી રહ્યા હોવાનું મનિષભાઈએ જણાવ્યું હતું. તેઓએ વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ગતરાત્રીએ અંતે એક લેખિતમાં અરજી અમિષાએ આપી છે. પરંતુ હજી સુધી તેની ફરિયાદ દાખલ નથી થઈ. આજે અમે ડીએસપી ઓફિસ પણ ગયા હતાં. ત્યાં પણ ત્રણેક કલાક બેસી રહેવું પડ્યું હતું. પરંતુ અમારૂં કોઈ સાંભળતું નથી. આ અંગે અમિષાએ જણાવ્યું હતું કે પાર્થે મારી સાથે છેતરપિંડી કરી હોવાથી તેઓ વિરૂદ્ધ ગુનો તો દાખલ કરીશું જ !
રિવોલ્વર કાઢતાં મામલો બિચક્યો
પાર્થ પટેલના પ્રથમ પત્નીને છૂટાછેડા આપ્યા સિવાય બીજા લગ્ન કરવા મામલે ગતરોજ પ્રથમ પત્નીએ સમગ્ર ભાંડો ફોડતા મેરેજ હોલમાં ભારે તંગ વાતાવરણ થઈ ગયું હતું. તેમાંય લગ્ન કરવા આવનાર દુલ્હા રાજા જ ફરાર થઈ જતાં યુવતીપક્ષના લોકોમાં ભારે આક્રોશ હતો.
આ બબાલ સમયે લગ્નની જાનમાં આવેલ મહેબુબખાન નામના શખ્સે પોતાની પાસે રાખેલી રિવોલ્વર કાઢતાં મામલો વધુ બિચક્યો હતો. આ અંગે અમિષાએ આપેલ લેખિત અરજીમાં પણ ઉલ્લેખ કરવા સાથે પોતાની જાનને જાેખમે હોવાનું પણ જણાવ્યું હતું. આ સમગ્ર મામલે હજી સુધી પોલીસ શા માટે ગુનો દાખલ નથી કરતા તેવા અનેક પ્રશ્નો પંથકમાં ઉઠવા પામ્યા છે.