નારી ગૌરવ હનનના કિસ્સામાં પીડિતા સાથે મુલાકાત કરતા મહિલા આયોગના લીલાબેન
અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલિયાએ અધિકારીઓ સાથે બેઠક બાદ પોલીસની ત્વરિત કામગીરીની સરાહના કરી.
દાહોદ: દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજૂરી ગામે એક પરિણીતા સાથે બનેલા નારી ગૌરવ હનનની અમાનવીય ઘટનાને અનુસંધાને ગુજરાત મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી લીલાબેન અંકોલિયાએ આજે દાહોદની મુલાકાત લીધી હતી અને અહીં તેમણે પીડિતા સાથે મુલાકાત કરી સમગ્ર બાબતની જાત માહિતી મેળવી હતી. દાહોદ જિલ્લા પોલીસ દ્વારા આ ઘટના સંદર્ભે કરાયેલી ત્વરિત અને પ્રોએક્ટિવ કામગીરી ઉપરાંત જિલ્લા વહીવટી તંત્રના મહિલા સુરક્ષા સમિતિના જાગૃતિ અભિયાનની તેમણે પ્રશંસા પણ કરી હતી.
શ્રીમતી લીલાબેન અંકોલિયાએ સર્વ પ્રથમ આ બનાવ સંદર્ભે કલેક્ટર ડો.હર્ષિત ગોસાવી, પોલીસ અધિક્ષક હીતેશ જોયસર, એ.એસ.પી. સુશ્રી શૈફાલી બરવાલ, નાયબ પોલીસ અધિક્ષક ડો. કાનન દેસાઇ પાસેથી સમગ્ર ઘટનાની રજેરજની માહિતી મેળવી હતી. મહિલાનું ઉત્પીડન કરનારા તત્વો સામે કરાયેલી કાનૂની કાર્યવાહીની માહિતી પણ શ્રીમતી અંકોલિયાએ મેળવી હતી. આ ઘટનામાં પોલીસની સક્રીય પગલાંઓની તેમણે સરાહના કરી હતી.
મહિલાઓને આવી બાબતો પ્રત્યે સંરક્ષણ આપવા અને મહિલાઓને મળી રહેલા કાયદાકીય અધિકારો પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાન અંગે પણ તેમણે જાણકારી મેળવી હતી અને આ અભિયાનને વધુ વ્યાપક કેવી રીતે બનાવી શકાય એ માટે કેટલાક માર્ગદર્શક સૂચનો પણ કર્યા હતા. તેમણે મહિલા આયોગ તરફથી સહયોગની તત્પરતા પણ દર્શાવી હતી.
બાદમાં અધ્યક્ષા શ્રીમતી અંકોલિયાએ પીડિતાની પણ મુલાકાત કરી હતી. તેમણે આ બનાવ સંદર્ભે પોતાની સંવેદના વ્યક્ત કરી પીડિતાને મળી રહેલા કાનૂની સહયોગની જાતમાહિતી મેળવી હતી.