નારોલના યુવકે સાબરમતી નદીમાં મોતની છલાંગ લગાવી
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં આત્મહત્યાની વધતી જતી ઘટનાઓ વચ્ચે શહેરના નારોલ વિસ્તારમાં રહેતા એક યુવકે રિવરફ્રંટ પરથી સાબરમતી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા સનસનાટી મચી ગઈ છે જયારે ચાંદખેડા વિસ્તારમાં એક યુવકે પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી દીધુ છે સ્થાનિક પોલીસે આ બંને ઘટનાઓમાં વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના નારોલ ગામમાં આવેલા નારોલ પાર્ક સોસાયટીમાં રહેતો દિપક રમેશભાઈ પરમાર નામનો યુવક છેલ્લા કેટલાક દિવસથી માનસિક રીતે અસ્વસ્થ જણાતો હતો આ દરમિયાનમાં ગઈકાલે તે સાબરમતી પશ્ચિમ કિનારે વાસણા બેરેજ પાસે રિવરફ્રંટ વોક વે પર આવ્યો હતો અને અચાનક જ નદીમાં ઝંપલાવતા તરવૈયાઓની ટીમો પહોચી ગઈ હતી દિપક પરમારને બચાવવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા
પરંતુ આખરે ફાયરબ્રિગેડના જવાનોએ દિપક પરમારના મૃતદેહને નદીમાંથી બહાર કાઢયો હતો. ઘટનાની જાણ થતા રિવરફ્રંટ વેસ્ટ પોલીસ સ્થળ પર પહોચી ગઈ હતી અને તેની ઓળખવિધિ કર્યાં બાદ પરિવારજનોને જાણ કરતા પરિવારજનો પણ આવી પહોંચ્યા હતા અને ભારે રોકકળ કરી મુકી હતી આ ઘટનાની તપાસ કરનાર રિવરફ્રંટ વેસ્ટ પોલીસ સ્ટેશનના મદદનીશ સબ ઈન્સ્પેકટર જગદીશચંદ્ર એ આત્મહત્યાનું કારણ જાણવા પરિવારજનોની પુછપરછ કરી હતી પરંતુ કારણ જાણવા મળ્યું ન હતું.
આત્મહત્યાનો બીજા બનાવ ચાંદખેડા વિસ્તારમાં બન્યો હતો. મોટેરા સ્ટેડિયમ પાસે સંગાથ વિભાગ- ર માં રહેતા ધ્રુવ નરેન્દ્રકુમાર આનંદ નામના ર૮ વર્ષના યુવાને પોતાના ઘરમાં જ બપોરના સમયે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોચી ગઈ હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ઘરમાં સર્ચ કર્યુ હતું જાકે સુસાઈડ નોટ મળી છે કે નહી તે અંગે કશું જાણવા મળ્યુ નથી. આત્મહત્યાનું કારણ જાણવા પોલીસે પરિવારજનોની પુછપરછ કરી હતી આ અંગે ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.