નારોલની ઘટનાઃ પાણીની ટાંકીમાં ઝેરી દવા નાંખવામાં આવી

મ્યુનિ.મેલેરિયા ખાતાની અણધડ કામગીરીના કારણો ૨૦ પરિવારોની જીંદગી જાખમાઈ : મ્યુનિસિપલ આરોગ્યખાતાના અધિકારીનો અમાનવીય અભિગમ |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરને મેલેરિયામુકત કરવા માટે મ્યુનિ. મેલેરિયા વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વે કરવામાં આવી રહયો છે. મ્યુનિ.શાસકોની ઉપરવટ જઈને કમીશ્નરે એક હજાર વોલીયન્ટર્સ ની ભરતી કરી છે. પરંતુ તેમને કોઈ જ પ્રકારની તાલીમ આપવામાં આવી નથી. જેના કારણે નાગરીકોને રોગમુકત કરવાના બદલે તેમની જીંદગી જાખમાય તે પ્રકારની કામગીરી થઈ રહી છે.
નારોલ વિસ્તારમાં રવિવારે મેલેરિયા વોલીયન્ટર્સની અણઆવડત તથા મેલેરિયા અધિકારીની બેદરકારીના કારણો ૪૦ પરીવારોની જીંદગી જાખમાઈ હતી. શરમજનક બાબત એ છે કે ૪૦ પરિવારોની જીંદગી સાથે ચેડા થયા હોવા છતાં મ્યુનિ. આરોગ્ય અધિકારીને આ બાબત હાસ્યાસ્પદ લાગી હતી તથા સફાઈના રૂપિયા આપીશું તેવા અમાનવીય નિવેદન કર્યા હતા.
નારોલ વિસ્તારમાં આવેલ કર્ણાવતી એપાર્ટમેન્ટ વિભાગ-ર માં રવિવારે મેલેરિયા ખાતા દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરવામાં આવી હતી. કર્ણાવતી એપાર્ટમેન્ટમાં કુલ ૧૭ બ્લોક અને ૩૪૦ રહેણાંક યુનિટ છે. મ્યુનિ. મેલેરિયાખાતા દ્વારા યોગ્ય તાલીમ આપવામાં આવી ન હોવાથી હસમુખભાઈ નામના વોલીયન્ટર્સ એક બ્લોકની ઓવરહેડ ટાંકીમાં ડેન્ગ્યુના મચ્છર મારવા માટેની ઝેરી દવા નાંખી હતી. સદ્દર ટાંકીના પાણીનો પીવા માટે પણ ઉપયોગ થઈ રહયો છે.
મેલેરિયા વોલીયન્ટર્સ દ્વારા પીવાલાયક પાણીમાં ઝેરી દવા નાંખવામાં આવી હોવાથી રહીશો ભયભીત થઈ ગયા હતા. તથા ડોર ટુ ડોર સર્વે માટે ભલામણ કરનાર સ્થાનિક રહીશ પર આક્રોશ વ્યકત કર્યો હતો જે વ્યકિતએ મેલેરિયા ખાતાને સર્વે માટે મદદ કરી હતી તે વ્યકિત એ સમગ્ર ઘટનાથી મ્યુનિ.આરોગ્ય અધિકારી ડો. ભાવિન સોલંકીને વાકેફ કર્યા હતા.
પરંતુ તેમના તરફથી યોગ્ય પ્રતિસાદ ન મળતા સાવચેતી ના ભાગરૂપે પાણીની ટાંકી ખાલી કરાવી હતી તથા તમામ રહીશોના ઘરમાંથી પીવાલાયક પાણી પણ ખાલી કરવામાં આવ્યું હતું. દરમ્યાન મ્યુનિ. આરોગ્ય અધિકારી તથા મેલેરિયા ખાતાના વડા રાજેશ શર્મા સાથે સંપર્ક કરવાના પ્રયત્ન કર્યા હતા. પરંતુ રાજેશ શર્માએ ફોન રીસવ કરવાની તસ્દી લીધી ન હતી.
જયારે આટલી મોટી દુર્ઘટના થઈ હોવા છતાં આરોગ્ય અધિકારી રૂબરૂ સ્થળ પર જઈને યોગ્ય કાર્યવાહી કરવા કે રહીશોને સાંત્વના આપવાના બદલે વોર્ડના કર્મચારી ને તપાસ માટે મોકલ્યા હતા. લાંભા વોર્ડના કર્મચારીએ તપાસ કરીને ટાંકીમાં દવા નાંખવામાં આવી હોવાની વાતનો સ્વીકાર કર્યો હતો. તથા ટાંકીની સફાઈ કરવા માટે રહીશોને સુચના આપી હતી. પરિસ્થિતિ થોડી ઘણી થાળે પડી ગયા બાદ મેલેરિયા ખાતાના વડા (ઈન્ચાર્જ) રાજેશ શર્મા એ સ્થળ પર જવાની તસ્દી લીધી હતી. પરંતુ કોઈ જ નકકર કાર્યવાહી કર્યા સિવાય તેઓ ચાલ્યા ગયા હતા.
સ્થાનીક રહીશો સાથેની વાતચીતમાં તેમણે સદ્દર દવા પીવાલાયક પાણીમાં નાંખવા માટે સરકારે પ્રતિબંધ મુકયો હોવાનું જણાવ્યું હતું. જા કે, પાછળથી ફેરવી તોળ્યું હતું તથા પ્રતિબંધના બદલે સરકારની ગાઈડલાઈન હોવાના ઉચ્ચારણ કર્યા હતા. નારોલના કર્ણાવતી એપાર્ટમેન્ટમાં રવિવારે સાંજે સદ્દર દુર્ઘટના થઈ હતી તથા મેલેરિયા અધિકારી સાંજે પાંચ વાગે સ્થળ પર તપાસ કરીને નીકળી ગયા હતા.
ત્યારબાદ મ્યુનિ.હેલ્થ ઓફીસર કે મેલેરિયા ખાતાના કોઈ જ કર્મચારીએ ફોન કરીને પરિસ્થિતિની જાણકારી લેવા માટે પણ પ્રયાસ કર્યો ન હતો. શરમજનક બાબત એ છે કે સોમવારે સાંજે હેલ્થ ચેરમેન સમક્ષ ફરીયાદ કરવા માટે સ્થાનીક રહીશ ગયા હતા. ત્યારે તેમની ઓફીસમાં ઓફીસર પણ હાજર હતા તે સમયે પણ તેમણે ભુલનો સ્વીકાર કરવાના બદલે ઉડાઉ જવાબ આપ્યા હતા. તથા “ટાંકી સાફ કરવાનો ખર્ચ આપીશું” તેવા અમાનવીય ઉચ્ચારણ કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે જે સ્થળે આ દુર્ઘટના બની હતી તે સોસાયટીમાં ૧૭ બ્લોક છે પરંતુ મેલેરિયા વોલીયન્ટર્સ માત્ર ૧૦ બ્લોકમાં કામ કરીને “તમામ કામ પૂર્ણ” નો રીપોર્ટ આપ્યો હતો.
જેની જાણ થતા રહીશોએ લાંભા વોર્ડ મેલેરિયા કર્મચારી પ્રશાંતભાઈનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ વોલીયનટર્સ પરત આવ્યા હતા. પરંતુ બાકી સાત બ્લોક પૈકી માત્ર ત્રણ બ્લોકમાં જ સર્વે કર્યો હતો. જે પૈકી એક બ્લોકની ટાંકીમાં “ઝેરી દવા” નાંખવામાં આવી હતી મ્યુનિ. શાસકોએ કરકસર માટે ૩પ૦ મેલેરિયા વર્કસની દરખાસ્ત સામે ર૦૦ ની હંગામી ભરતી કરવા મંજૂરી આપી હતી. જેની સામે કમીશ્નરે નાણાંકીય સત્તાનો દુરુપયોગ કરીને એક હજાર વોલીયન્ટર્સ ની હંગામી ભરતી કરી છે.
પરંતુ અણધડ આયોજન ના કારણે નાગરીકોની જીંદગી સાથે ચેડા થઈ રહયા છે તે બાબત નારોલ વિસ્તારની ઘટના પરથી સાબિત થઈ રહી છે. મ્યુનિ. મેલેરિયાખાતાના કર્મચારીઓને રોગચાળાને નિયંત્રણમાં લેવામાં રસ ન હોય તે રીતે કામ ચાલી રહયું છે. ચોકાવનારી બાબત એ છે કે મેલેરિયા ખાતાના ઈન્ચાર્જ રાજ શર્માના મંતવ્ય મુજબ ફોગીગની કોઈ જ અસર થતી નથી. નાગરીકોના સંતોષ માટે ધુમાડો કરવામાં આવે છે. મેલેરિયા ખાતાના વડા ફોગીગને બિનજરૂરી માની રહયા હોવા છતાં દરવર્ષે ફોગીગ માટે કરોડોનો ખર્ચ કરી રહયા છે તે બાબત તપાસનો વિષય બની રહે છે. તેવી ચર્ચા પણ ચાલી રહી છે.