નારોલમાં પત્રકાર બની તોડબાજી કરતા શખ્સની ધરપકડ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : છેલ્લા કેટલાંક સમયથી શહેરમાં બની બેઠેલા પત્રકારો વેબ ચેનલ તથા ન્યુઝ પેપર દ્વારા વેપારીઓ તથા અન્ય લોકોની તોડબાજી કરવાની પ્રવૃતિ ચલાવે છે. વેપારીઓની જાગૃતિ તથા પોલીસની કાર્યવાહીના કારણે આવા કેટલાંય શખ્સોને ઝડપીને તેમની વિરૂધ્ કાર્યવાહી કરવામાં આવી છે. આવી જ વધુ એક ઘટના નારોલ વિસ્તારમાં બનવા પામી છે. જેમાં પત્રકાર બનીને પાંચ લાખનો તોડ કરવા જતાં વેપારીએ પોલીસને જાણ કરતાં શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
રાજેશ સોની નામના વેપારી નારોલ વિસ્તારમાં પોતાની દુકાન ધરાવે છે. કેટલાંક દિવસો અગાઉ રોયલ શૂઝ ચેનલ નામની વેબ ચેનલ ચલાવતો પ્રિન્સ ઉર્ફેે રજનીશ રાય તેમના ત્યાં પહોંચ્યો હતો. અને રાજેશભાઈ વિરૂધ્ધ પુરાવા હોવાની વાત કરી હતી. બાદમાં લાલચુ અને બની બેઠેલા પત્રકાર પ્રિન્સ ઉર્ફે રજનીશે રાજેશભાઈ પાસે પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જા કે તોડબાજ પ્રિન્સને રૂપિયા આપવાનો ઈન્કાર કરતાં તેણે રાજેશભાઈ વિરૂધ્ધ ખબરો છાપવાની ધમકી આપી હતી. તેમ છતાં તેને તાબે ન થતાં રાજેશભાઈએ નારોલ પોલીસને ફરીયાદ કરી હતી.
કાર્યવાહી થાય એ પેહેલાં જ પોતાની સામે થયેલી ફરીયાદની જાણ થતાં પ્રિન્સ ઉત્તરપ્રદેશ ભાગી છૂટ્યો હતો. જ્યાંથી પરત ફરતાં જ નારોલ પોલીસે તેની અટક કરીને કોર્ટમાં રજુ કર્યા બાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલાયો હતો. પોતાની સામે કોઈ કાર્યવાહી ન કરવા માટે પ્રિન્સે હાઈકોર્ટમાં અપીલ પણ કરી હોવાનું જાણવા મળ્યુ છે. જા કે કોર્ટેે તેની માંગ ફગાવી દીધી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર પ્રિન્સ તથા અન્ય એક વ્યક્તિ મળીને છેલ્લા કેટલાંય સમયથી તોડબાજીનો ધંધો આચરી રહ્યા હતા.