નારોલમાં મોટા જુગારધામ પર દરોડોઃ દસથી વધુ જુગારીઓ ઝડપાયા
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : હાલ કેટલાંક સમયથી પોલીસે શહેરમાં ચાલતાં જુગારનાં અડ્ડાઓ નેસ્તાનાબુદ કરવા નેપ લીધી હોય તેમ પ્રતિત થઈ રહયું છે. લગભગ રોજેરોજ અમદાવાદનાં વિવિધ વિસ્તારોમાં ચાલતાં જુગારધામો ઉપર પોલીસ દરોડા પાડીને મોટો મુદ્દામાલ જપ્ત કરી રહી છે. ગઈકાલે પણ નારોલ પોલીસે આવી જ કાર્યવાહી કરતાં દસ જુગારીઓને જબ્બે કર્યો છે.
નારોલ પોલીસને બાતમી હતી કે દેવરાજનગર સોસાયટી શ્રીરામ ટેનામેન્ટ સામે, શાહીવાડી, નારોલ ખાતે ધવલ પરમાર (ર૯) નામનો શખ્સ પોતાનાં ઘરમાં જુગારનો મોટો અડ્ડો ચલાવી રહયો છે. આ બાતમીને આધારે સાંજે સાડા ચારના સુમારે પોલીસ મકાન નં.સી/૪૪ ઉપર ત્રાટકતાં બંધ દરવાજા પાછળથી દસ શખ્સો જુગાર રમતાં ઝડપાયા હતા.
પોલીસને જાઈને નાસભાગ કરવા જતાં તમામને પકડી લેવાયા હતા. જેમનાં નામ ધવલ પરમાર (મુખ્ય સુત્રધાર) દિવ્યાંશ શ્રીમાળી,કલ્પેશ ચૌહાણ, જીગ્નેશ મકવાણા, સુરેશ મકવાણા, ધવલભાણજી પરમાર, સંકેત પરમાર હરીશ પરમાર, પ્રગ્નેશ ચાવડા તથા મયુર પરમાર છે. પોલીસે ઘટના સ્થળે ઉપરથી રોકડ, મોબાઈલ ફોન ઉપરાંત વાહનો સહીત એક લાખથી વધુ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામે જુગારધારાની કલમો લગાવી કાર્યવાહી હાથ ધરી છે.