નારોલમાં રીક્ષાના શો રૂમમાં તસ્કરો ત્રાટક્યા : રૂ.૮.૩૬ લાખની ચોરી
અમરાઈવાડીમાં ઘરફોડ ચોરી કરવા આવેલા ચોરને નાગરિકોએ ઝડપી લીધા
(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરમાં તસ્કરોએ માઝા મુકી છે ત્યારે નારોલમાં આવેલા એક રીક્ષાના શો રૂમની બારીમાંથી પ્રવેશી ચોરોએ તિજાેરીમાંથી રૂપિયા સાડા છ લાખ જેટલી રોકડની ચોરી કરી હતી. ઉપરાંત અમરાઈવાડી વિસ્તારમાં પણ રાત દરમિયાન ઘરફોડ ચોરીના બે બનાવ બન્યા હતા જેમાંથી એક ચોરને લોકોએ ઝડપી લીધો હતો.
નારોલ વટવા ટર્નીંગ પાસે જીબી વ્હીલર્સ નામનો રીક્ષાનો શો રૂમ ધરાવતા રમેશભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે શનિવારે શો રૂમને તાળા મારી સોમવારે પરત ખોલતા સફાઈ કર્મીએ પાછળની બારી તૂટેલી હોવાની જાણ કરી હતી જેથી તપાસ કરવામાં આવતા શો રૂમની તિજાેરીનું લોક તોડી તસ્કરોએ વાહનોના વેચાણ, સર્વિસ તથા અન્ય રીતે આવેલા કુલ રૂપિયા છ લાખ છત્રીસ હજારની રોકડ ચોરી હોવાનું જાણવા મળ્યુ હતું આ ઘટનાની જાણ થતાં નારોલ પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચીને સીસીટીવી કુટેજ મેળવી તપાસ હાથ ધરી છે.
જયારે અન્ય બનાવમાં અમરાઈવાડીમાં બળીયાનગરમાં રહેતા અને રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા કેતનભાઈ ચાવડા રવિવારે મોડી રાત્રે રીક્ષા ચલાવી વહેલી સવારે સોમવારે ઘરે પરત ફર્યા ત્યારે સામાન અસ્તવ્યસ્ત હતો. ઘરમાં સુઈ રહેલી પત્નીને પુછતા તેણે પોતે અજાણ હોવાનું કહયુ હતું આથી તપાસ કરતા તેમની પત્નીની સોનાની બુટ્ટી, પાયલ, રોકડા રૂપિયા ૩૩ હજાર સહીત કુલ ૪૪ હજાર રૂપિયાની ચોરી થયેલી જણાઈ હતી. આ અંગે તુરંત તેમણે પોલીસને જાણ કરી ફરીયાદ નોંધાવી હતી.
અન્ય બનાવ પણ અમરાઈવાડીમાં જ બન્યો હતો ધર્મેન્દ્રભાઈ ગુપ્તા ધનજીભાઈની ચાલી ખાતે રહે છે તેમની પત્ની નાહવા ગઈ એ દરમિયાન ખુલ્લા દરવાજામાંથી ઘરમાં ઘુસી ચોરે તેમના ઘરેણાં ચોરી લીધા હતા જાેકે પાડોશીઓ જાેઈ જતાં ચોરનો પીછો કરી તેને સત્તાધાર સોસાયટી આગળ આવેલા મંદીર નજીકથી ઝડપી લીધો હતો. પુછપરછમાં તેણે અજય મારવાડી (રહે. ગાયત્રીનગર છાપરા) હોવાનું કહયું હતું તેની પાસેથી ચોરાયેલી મત્તા મેળવી અમરાઈવાડી પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.
માધુપૂરામાં હપ્તાખોરનો આતંક : વેપારીને ઓફીસમાં ઘુસી માર માર્યો
(પ્રતિનિધિ) અમદાવાદ, માધુપુરામાં વેપારીઓ પાસેથી ખંડણી માંગતા એક શખ્સ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે જાેકે આ ફરીયાદ લખાતી હતી ત્યારે ફરિયાદી સાથે આવેલા એક વેપારીએ દારૂના નશામાં પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવતા પોલીસે તે વેપારીને અરેસ્ટ કરી કાર્યવાહી કરી હતી.
આ ઘટનાની વિગત એવી છે કે ઈમરાનભાઈ મન્સુરી જુહાપુરા ખાતે રહે છે અને ઈદગાહ સીટી સેન્ટર ખાતે ન્યુ ભાવનગર ટ્રાન્સપોર્ટ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે સોમવારે સાંજે સાત વાગ્યાના સુમારે કોલાબાના છાપરા ખાતે રહેતો સંદીપ ઉર્ફે બબલુ તેમની ઓફીસમાં ઘુસી આવ્યો હતો અને ઈમરાનભાઈ પાસે પાંચ હજાર રૂપિયાની માંગણી કરી હતી ઉપરાંત ઈમરાનભાઈને માર મારી ઓફીસનું ફર્નિચર તોડી નાખ્યુ હતું અને દર મહીને પાંચ હજારનો હપ્તો ન આપે તો છરી ના ઘા મારી મારી નાખવાની ધમકીઓ આપી હતી જેથી ઈમરાનભાઈ ટ્રાન્સપોર્ટના અન્ય વેપારીઓ સાથે માધુપૂરા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં અને સંદીપ વિરુધ્ધ પોતાની ફરીયાદ નોંધાવી હતી આ અંગે વાત કરતા પીઆઈ વી.એન. રબારીએ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું. ખંડણીખોરોનો ત્રાસ કેટલાક સમયથી વધી ગયો છે શહેરની વિવિધ બજારોમાં વેપારીઓને ધાક ધમકી આપતા શખ્સો સામે કડક કાર્યવાહી થાય તેમ વેપારીઓ ઈચ્છી રહયા છે.
પોલીસ સ્ટેશનમાં નશામાં એક વેપારીએ ધમાલ કરતાં ફરીયાદ
ટ્રાન્સપોર્ટ મેનેજર ઈમરાનભાઈ તેમની સાથે અન્ય વેપારીઓને લઈને માધવપુરા પોલીસ સ્ટેશને પહોચ્યા હતા એ વખતે નશો કરેલી હાલતમાં આવેલા એક વેપારીએ પોલીસને કહયા મુજબ ફરીયાદ લખવા ધમકીઓ આપી ઉધામા કરતા તેમની સામે પણ ફરીયાદ કરવામાં આવી હતી.
આ ઘટના અંગેની વિગત એવી છે કે ઈમરાનભાઈ હપ્તાખોરની ફરીયાદ કરવા ટ્રાન્સપોર્ટના અન્ય વેપારીઓને સાથે લઈ પોલીસ સ્ટેશને હતા જયાં પોલીસ ફરીયાદ લેતી હતી તે વખતે કુંજલ પટેલ (શાહપુર) નામના વેપારીએ “હું કહું તેમ ફરીયાદ લાવો નહી તો દિવાલે માથા પટકીશ અને હાથે ચેકા મારીશ” તેમ કહીને દિવાલે માથા પછાડવા લાગ્યા હતા જેથી પોલીસે તેમને રોકયા હતા કુંજલ પટેલ નશામાં હોવાનું જણાતાં પોલીસે તેમની સામે પણ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.