નારોલમાં રીક્ષા ગેંગના લુંટારૂએ પ્રવાસીને ચપ્પાના ઘા માર્યાં
પ્રતિકાર કરતા પ્રવાસીને લોહી લુહાણ કરી રોડ પર ફેંકી દીધો |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં તસ્કરો અને લુંટારુઓના કારણે નાગરિકો ફફડી રહયા છે પોલીસ તંત્રની ઘોર બેદરકારીના કારણે કેટલીક રીક્ષાઓમાં ફરતી લુંટારુ ગેંગ બેફામ બની ગઈ છે અને રોજે રોજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં નાગરિકોને લુંટી રહી છે પોલીસ તંત્રની નિષ્ક્રિયતાના કારણે આવી ગેંગોનો આંતક દિવસેને દિવસે વધી રહયો છે
શહેરના નારોલ વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક યુવકને બળજબરી પૂર્વક રીક્ષામાં બેસાડી તેને લુંટવાનો પ્રયાસ કરતા મારામારી થઈ હતી અને તેમાં લુંટારુઓએ આ યુવકને છરીના ઘા મારી ચાલુ રીક્ષાએ રસ્તા પર ફેકી પલાયન થઈ જતાં સનસનાટી મચી ગઈ છે રાત્રે ૧ર.૦૦ વાગ્યે બનેલી આ ઘટનામાં પોલીસના નાઈટ પેટ્રોલીંગના દાવા પણ માત્ર કાગળ પર હોય તેવુ જણાઈ રહયું છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી કેટલીક શટલ રીક્ષામાં ફરતી તસ્કરો અને લુંટારુઓની ગેંગોનો આંતક વધી રહયો છે. શટલ રીક્ષાઓ પોલીસતંત્રની ઘોર બેદરકારીનું પરિણામ છે
શહેરના છેવાડાના વિસ્તારોમાં ખુલ્લેઆમ આવી શટલ રીક્ષાઓ ફરી રહી છે અને તેનો લાભ લુંટારુઓ અને તસ્કરો ઉઠાવી રહયા છે શહેરમાં કેટલીક રીક્ષાઓમાં ફરતી આવી ગેંગો અવારનવાર પ્રવાસીઓને નિશાન બનાવી લુંટી રહી છે અને હવે તો પ્રવાસીઓ ઉપર સશ† હુમલો પણ કરવામાં આવી રહયો છે
શહેરના ઈસનપુર વિસ્તારમાં રાધાકષ્ણ સોસાયટીમાં રહેતા બાલુભાઈ યાદવ નામનો યુવક ગઈકાલે રાત્રે ૧ર.૦૦ વાગ્યે નારોલ નજીક દિલશાન હોટલની સામે ઉભો હતો આ દરમિયાન અજાણ્યો રીક્ષાચાલક તેની નજીક આવ્યો હતો અને તેને બળજબરીપૂર્વક રીક્ષામાં બેસાડી તેની પાસેથી મોબાઈલ ફોન સહિતની ચીજવસ્તુઓનો લુંટવાનો પ્રયાસ શરૂ કર્યો હતો પરંતુ યાદવે તેનો પ્રતિકાર કરતા લુંટારુ હિંસક બની ગયો હતો. લુંટારુનો પ્રતિકાર શરૂ કરતા જ યાદવ પર લુંટારુએ સશસ્ત્ર હુમલો કર્યો હતો
યાદવ કશું સમજે તે પહેલા જ લુંટારુએ પોતાની પાસેની તિક્ષ્ણ ધારવાળી છરી કાઢી હતી અને યાદવના શરીર પર તેના ઘા મારતા તે લોહી લુહાણ થઈ ગયો હતો આ દરમિયાનમાં જ યાદવે બુમાબુમ કરતા લુંટારુએ ચાલુ રીક્ષાએ યાદવને રસ્તા પર ફેંકી દીધો હતો અને ત્યાંથી લુંટારુ ફરાર થઈ ગયો હતો
ઈજાગ્રસ્ત યુવક રસ્તા પર પટકાતા પસાર થતાં વાહન ચાલકો અને સ્થાનિક નાગરિકો એકત્ર થઈ ગયા હતા અને તાત્કાલિક તેને હોસ્પિટલમાં ખસેડયો હતો ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ પહોંચી ગયા હતાં આ અંગે નારોલ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.