નારોલમાં રૂપિયાની લેતી-દેતીમાં મિત્રએ જ મિત્રની પથ્થરથી મોં છુંદીને હત્યા કરી
પાડોશી જ આરોપી નીકળ્યો: પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધો
(સારથી એમ.સાગર) અમદાવાદ, શહેરના નારોલ વિસ્તારમાં એક ઓરડીમાં વ્યક્તિની પથ્થરથી મોં છુંદીને હત્યા કર્યાની ઘટના બહાર આવી છે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે વ્યક્તિ જીવીત હતો પરંતુ સારવાર દરમિયાન તે મૃત્યુ પામ્યો હતો જાેકે ફરાર હત્યારાને નારોલ પોલીસે ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધો છે. વ્યક્તિની ક્રુર રીતે હત્યા કરવામાં આવતા પોલીસ ઉપરાંત આસપાસના રહીશો પણ ચોંકી ઉઠ્યા છે.
આ અંગેની વિગત એવી છે કે રાજકુમાર મેવાલાલ યાદવ ઉમંગ ફલેટ, સનરાઈઝ હોટલની પાછળ નારોલ અસલાલી હાઈવે ખાતે રહે છે છુટક મજુરી કરતાં રાજકુમાર રવિવારે રાત્રે આઠ વાગ્યે ઘરેથી કરીયાણાનો સામાન લેવા ગયા હતા પરંતુ મોડી રાત સુધી ઘરે પરત આવ્યા ન હતા.
બીજી તરફ ઉમંગ ફલેટની સામે જ આવેલી એક અવાવરું ઓરડીમાં કોઈ વ્યક્તિની અત્યંત ક્રુર રીતે હત્યા થઈ હોવાની જાણકારી બાદ નારોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જયાં વ્યક્તિના શ્વાસોશ્વાસ ચાલતાં હોવાથી તેમને સિવિલ હોસ્પીટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ હુમલાખોરે રાજકુમારનું મોં તથા માથું અત્યંત ક્રુર રીતે છુંદી નાખતા તેમને ઠેરઠેર ઈજાઓ થઈ હતી બાદમાં નાજુક અવસ્થામાં તેમનું મૃત્યુ નીપજયું હતું.
પોલીસે રાજકુમારની ઓળખ કર્યા બાદ તેના ઘરે પહોંચીને પરીવારને જાણ કરી હતી અને મૃતકની પત્નીને ફરીયાદી બનાવી હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. બાદમાં નારોલ પોલીસની ટીમો હત્યારાને શોધવામાં લાગી હતી અને શશીકાંત ઉર્ફે સતીષ જયંતીભાઈ રાઠોડ (૩૪) ઉમંગ ફલેટ નામના હત્યારાને ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો અને પુછપરછ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી.
આ અંગે પીઆઈ ગોહીલે જણાવ્યું હતું કે મૃતક તથા આરોપી બંને એક જ ફલેટમાં રહે છે. આરોપીના જણાવ્યા અનુસાર તેણે મૃતક રાજકુમારને ઉછીના રૂપિયા આપ્યા હતા. ઘટનાના દિવસે રાજકુમાર ઓરડીમાં નશાની હાલતમાં બેઠો હતો જયારે આરોપી શશીકાંતે તેની પાસે રૂપિયા માંગ્યા પછી બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારે શશીકાંતે પથ્થર લઈ તેના ઉપર હુમલો કર્યો હતો અને રાજકુમારને ફકત નાની-મોટી ઈજાઓ થઈ છે તેવું અનુમાન લગાવી ભાગી ગયો હતો અને રાતભર બહાર રહયો હતો. બીજા દિવસે તે ઘર તરફ આવવાની જાણ થતાં જ પોલીસે તેને દબોચી લીધો હતો.
શશીકાંતે પુછપરછ દરમિયાન ઈસનપુરમાં પણ હત્યા કરી હોવાનું કબુલ્યું હતું પરંતુ તપાસ કરતાં છરી વડે હુમલો કર્યો હોવાનો ગુનો નોંધાયો હોવાનું માલુમ પડ્યું હતું.