નારોલમાં સગીર દીકરી પર દુષ્કર્મ ગુજારનારા સાવકા પિતાની ધરપકડ

પ્રતિકાત્મક
પતિના મૃત્યુ બાદ મહિલા યુવક સાથે દસ વર્ષથી રહેતી હતી
સગીરાને માર મારીને ધમકાવવામાં આવતી હતી કે જો કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ
અમદાવાદ,નારોલમાં રહેતી મહિલાના પતિના અવસાન બાદ તેની બે દીકરીને પિતાની છત્રછાયા મળી રહેશે તેમ વિચારી એક યુવક સાથે પતિ-પત્નીના સંબંધે રહેતી હતી. પરંતુ નીચલી માનસિકતાના સાવકા પિતાએ તેની જ સગીર દીકરી સામે નજર બગાડી અને કોરોના કાળમાં તકનો લાભ લઈને સગીર દીકરી સાથે સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યું અને રોજ-બરોજ સગીરાને શારીરિક છેડછાડ કરતા હતા. સગીરાને માર મારીને ધમકાવવામાં આવતી હતી કે જો કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ. દીકરીએ કંટાળીને ૧૮૧ મહિલા હેલ્પલાઈનમાં જાણ કરીને માતા સાથે સાવકા પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી છે.
નારોલમાં રહેતા સુષ્માબેને (ઓળખ છૂપાવવા નામ બદલેલ છે) એક યુવક સાથે લગ્ન કર્યાં હતા. જેના થકી મહિલાએ બે દીકરીને જન્મ આપ્યો હતો. અગમ્ય કારણોસર મહિલા પતિનું આકસ્મિક કુદરતી મોત નીપજ્યું હતું. ત્યારબાદ મહિલા તેની સગીર વયની બંને દીકરીને લઈને દસ વર્ષથી પતિ પત્ની તરીકે એક યુવક સાથે ભાડાના મકાનમાં રહેતી હતી. ગત ૨૯ એપ્રિલે મહિલા કામકાજથી ઘરે આવી ત્યારે તેની સગીર દીકરી કોઈની સાથે ફોનમાં વાતચીત કરતી હતી.
માતાએ પૂછતા સગીર દીકરીએ જણાવ્યું કે ૧૮૧ મહિલા હેલ્પલાઈનમાં તેણીએ ફોન કર્યાે છે. માતાએ કારણ પૂછતા સગીરા ભાગી પાડી અને હકીકત જણાવી કે પપ્પા તેની સાથે ખરાબ કૃત્ય કરે છે. કોરોના સમયે પણ અનેક વખત તેની સાથે દુષ્કર્મ આચર્યું ચુક્યા છે અને જો ઇનકાર અથવા તો વિરોધ નોંધાવે તો મારતા અને કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ સાવકા પિતા આપતા હતા. છેવટે કંટાળીને સગીરાએ ૧૮૧માં ફોન કર્યાે હોવાની જાણ સગીરાએ માતાને કરી હતી.
આ દરમિયાન હેલ્પલાઈનની ગાડી આવી જતા સગીરા અને માતાને નારોલ પોલીસ લઇ જવાયા હતા. જ્યાં આગળ સગીરાએ આપવીતી જણાવતા હાજર પોલીસકર્મીઓને કંપારી છૂટી ગઈ હતી. નારોલના પોલીસ ઇન્સ્પેક્ટર પરિમલ દેસાઈએ હકીકત જાણ્યા બાદ તાત્કાલિક ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરીને સાવકા પિતાને જેલ હવાલે કર્યાે છે.ss1