નારોલમાં ૯૦ દુકાનદારોએ AMCના સીલ તોડી ધંધા શરૂ કર્યા
અમદાવાદ: બિલ્ડિંગ યુઝ પરમિશન(બી.યુ.)સિવાય ધમધમતી અનેક બિલ્ડિંગો સામે મ્યુનિ. કાર્યવાહી હાથ ધરી છે. નારોલના બિઝનેસ પોઈન્ટ બિલ્ડિંગના ૯૦ દુકાનના માલિકોએ મ્યુનિ.ના સીલ તોડી નાખી ધંધો શરૂ કરી દેતાં મ્યુનિ. ૨૨ કબજેદારો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મ્યુનિ. એસ્ટેટ-ટીડીઓ ખાતાએ ૩૧ મેના રોજ નારોલ સર્કલ પર આવેલા બિઝનેસ પોઇન્ટ બિલ્ડિંગની ૯૦ દુકાનો અને ઓફિસ કરી હતી. ગણતરીના કલાકોમાં જ વેપારીઓએ સીલ તોડી નાખ્યું હતું. આ મુદ્દે દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગે ૨૨ વેપારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બીજી બાજુએ બુધવારે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં મ્યુનિ.એ ૨૫ એકમોના ૩૦૧ યુનિટ સીલ કર્યા છે. જેમાં ઉત્તર પશ્ચિમ ઝોમાં ૭૭, મધ્ય ઝોનમાં ૭૨, પૂર્વ ઝોનમાં ૬૩, દક્ષિણ ઝોનમાં ૫૬, દ. પશ્ચિમ ઝોનમાં ૧૮, ઉત્તર ઝોનમાં ૮ અને પશ્ચિમ ઝોનમાં ૭ યુનિટનો સમાવેશ થાય છે.
છેલ્લા ત્રણ દિવસમાં મ્યુનિ.એ ૮૯૩ દુકાનો, ઓફિસ અને ક્લાસીસ, ૩૭૮ હોટેલ રૂમ, ૧૦ સ્કૂલ, રેસ્ટોરાં અને ઈન્ડસ્ટ્રીયલ યુનિટ સામે કાર્યવાહી કરી છે. ચાંદખેડા, નિકોલ, અમરાઈવાડી, વિરાટનગર અને વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં કુલ ૧૫૦૭ યુનિટને સીલ કરાયા છે. પાલડીમાં શેફાલી કોમર્શિયલ કોમ્પ્લેક્સને સીલ કરી દેવાતા એક ડોક્ટરે દર્દીઓ હેરાન ન થાય તે માટે બહાર જ ઓપીડી શરૂ કરી દીધી હતી.