નારોલ : ઝઘડામાં સમાધાન કરવાના બહાને યુવક પર સશસ્ત્ર હુમલો
(પ્રતિનિધિ) અમદાવાદ :નારોલ ઃઝઘડામાં સમાધાન કરવાના બહાને યુવક પર સશ† હુમલો અમદાવાદ શહેરમાં મારામારી, હુમલા અને હત્યાની ઘટનાઓ ખૂબજ વધી ગઈ છે પોલીસની કોઈ બીક જ ન હોય તે રીતે હુમલા કરવામાં આવી રહયા છે. આ અંગેની વિગત એવી છે કે લાંભા ગામ ઈન્દીરાનગર વિભાગ-ર માં રહેતા શહેજાદ સલીમખાન નામનો યુવક છુટક મજુરી કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે અને તે પોતે ભાડાના મકાનમાં રહે છે દેવરાજ એસ્ટેટના ગોડાઉનમાં તે મજુરીકામ પણ કરે છે.
તા.૧૩મીના રોજ રાતના ૮.૦૦ વાગ્યાની આસપાસ સહેજાદ તેના મિત્ર મનોજની સાથે શાહઆલમ જવા નીકળ્યો હતો અને ત્યાંથી કામ પતાવી બંને યુવાનો પરત ગણેશનગર ખાતે આવી પહોંચ્યા હતા ગણેશનગરમાં આવેલા પાનના ગલ્લા પર તેઓ સીગરેટ પીવા માટે ઉભા રહયા હતા અને ત્યાંજ બેઠા હતા.
પાનના ગલ્લા પર બંને યુવકો બેઠા હતા ત્યારે રાત્રે ૧૧.૦૦ વાગ્યાની આસપાસ ગણેશનગરમાં રહેતા આસીફ નામના શખ્સનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે ચાંદ બાદશાહ ઉર્ફે ચીનાની સાથે તારે જે અગાઉ ઝઘડો થયો હતો તેના સમાધાન માટે તને ઘરે બોલાવ્યો છે
અગાઉના ઝઘડામાં સમાધાન કરવા માટે શહેજાદ અને તેનો મિત્ર મનોજ અેક્ટિવા લઈને ચીનાના ઘરે ગયા હતા અને ત્યાં પહોંચતા જ અગાઉથી ચાંદ બાદશાહ ઉર્ફે ચીનો અને આસીફ હાથમાં તીક્ષ્ણ હથિયારો સાથે ધસી આવ્યા હતા અને તલવારના ઘા મારતાં સહેજાદને હાથના ભાગે તલવાર વાગતા તે લોહીલુહાણ થઈ ગયો હતો.
આ દરમિયાનમાં આસપાસના લોકો ભેગા થઈ જતા આ બંને શખ્સો ભાગી છુટયા હતાં બીજીબાજુ શહેજાદને લોહીલુહાણ હાલતમાં રીક્ષામાં એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે જયાં તેની હાલત સુધારા પર છે. નારોલમાં આવેલા ગણેશનગરના છાપરામાં આ ઘટના ઘટી હતી નારોલ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.