નાવિકોને રસી માટે પ્રાથમિકતા આપવા શિપિંગ બોર્ડની માગણી
નવી દિલ્હી: કોરોના મહામારીએ અનેક લોકો પાસેથી તેમની જિંદગી છીનવી લીધી છે તો અનેક લોકો પાસેથી તેમની નોકરી. કોરોના સંક્રમણને રોકવા માટે એકમાત્ર રસ્તો એ છે કે, બને તેટલી ઝડપથી બને તેટલા વધારે લોકોને વેક્સિન આપવામાં આવે. તેના દ્વારા લોકોમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના સંક્રમણને બ્રેક લગાવી શકાય તેમ છે. જાે કે, હાલ અનેક રાજ્યો પાસે વેક્સિનનો પૂરતો જથ્થો નથી અને મોટા શહેરોમાં વેક્સિન માટે સ્લોટ પણ નથી મળી રહ્યા.
વેક્સિનેશન દ્વારા કોરોના સંક્રમણ ફેલાતું અટકાવી શકાય છે પરંતુ એક વર્ગ એવો પણ છે જેના માટે વેક્સિનેશન હવે રોજગારનું સંકટ સર્જી રહ્યું છે. મર્ચેન્ટ નેવીમાં ફ્રન્ટ લાઈન તરીકે કામ કરતા સી ફેરર એટલે કે નાવિક. સામાન્ય રીતે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને વેક્સિનેશનમાં પ્રાથમિકતા આપવામાં આવી છે. પરંતુ આમને હજુ સુધી નજરઅંદાજ કરવામાં આવ્યા છે. નેશનલ શિપિંગ બોર્ડના આરોપ પ્રમાણે તેમને વેક્સિનેશનમાં પ્રાથમિકતા નથી અપાઈ. આ કારણે સેંકડો લોકોએ નોકરી ગુમાવી છે અને હજારો લોકોની નોકરી જાેખમમાં છે.
નેશનલ શિપિંગ બોર્ડના સદસ્ય સંજય પરાશરે જણાવ્યું કે, દેશભરમાં ૪ લાખ સી ફેરર છે. તેઓ યુદ્ધ સમયે નેવી સાથે સૈનિકની ભૂમિકા પણ ભજવે છે. તેમને દેશના ૧૨ બંદરો પર વેક્સિનેશન માટે કહેવામાં આવ્યું છે જ્યાં વેક્સિનનો સમય પણ નક્કી નથી કરાયો. આ કારણે સેંકડો લોકોએ નોકરી ગુમાવી છે અને વધુ હજારો લોકો નોકરી ગુમાવી શકે છે.
તેમણે આ તમામને પ્રાથમિકતાના આધાર પર દેશના કોઈ પણ રાજ્યમાં જ્યાંના નિવાસી હોય તેમને ત્યાં જ વેક્સિન આપવા વિનંતી કરી છે જેથી તેમની નોકરીઓ સંકટમાં ન મુકાય. સાથે જ તેમણે ભારત સરકાર આ રીતે નોકરીઓનું સર્જન કરવાની દિશામાં યોગ્ય પગલું ભરી શકશે તેવો દાવો પણ કર્યો હતો.
હકીકતે તેમનો તર્ક એવો છે કે, મર્ચેન્ટ નેવીમાં કામ કરતા સી ફેરર એટલે કે નાવિકો ૬ મહિનાથી લઈને ૧ વર્ષ સુધી જહાજ પર સમય વિતાવે છે. હાલ એ લોકોને જ પાછા બોલાવવામાં આવી રહ્યા છે જેમણે કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા હોય. ભારતમાં વેક્સિનેશનની પ્રક્રિયા ધીમી હોવાથી તેમને રસી નથી મળી રહી. આ સંજાેગોમાં જાે સી ફેરરને પણ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ માનીને વેક્સિનેશનમાં પ્રાથમિકતા આપવામાં આવે તો તેમને જલ્દી વેક્સિન મળી શકે અને તેઓ જલ્દી પોતાની નોકરીમાં પાછા ફરી શકે.