Western Times News

Gujarati News

નાસિક ઢોલ, ઘંટ અને ઝાલર સાથે કેમ્પ હનુમાનજી મંદિરની શોભાયાત્રા નિકળશે

શુક્રવારે હનુમાનજી મંદિર કેમ્પ ખાતે શોભાયાત્રાનું આયોજન

કેમ્પ હનુમાન ખાતે શનિવારે પૂનમના રોજ હનુમાન જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના શાહીબાગ ડફનાળા રોડ પર આવેલ શ્રી હનુમાનજી મંદિર કેમ્પ ખાતે તા.૧પ.૪.ર૦રર ને શુક્રવાર અને તા.૧૬.૪.ર૦રરને શનિવારના રોજ શ્રી હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમોની માહિતી આપતા શ્રી હનુમાનજી મંદિર કેમ્પના ટ્રસ્ટીઓએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હિંદુ સંસ્કૃતિ પ્રમાણે આપણે ત્યાં રીવાજ છે કે આપણા ઘરમાં કોઈપણ સામાજિક સારૂ કાર્ય કરાતુ હોય તો આપણે આપણા ઘરના વડીલોની અનુમતિ લઈએ છીએ.

એ જ પ્રમાણે તા.૧૬.૪.ર૦રર ને શનિવારના ચૈત્ર સુદ પુનમના રોજ શ્રી હનુમાનજી ભગવાનના જન્મોત્સવની શ્રી હનુમાનજી મંદિર કેમ્પ ખાતે યોજવાની અનુમતિ લેવા માટે જન્મોત્સવના આગલા દિવસે શ્રી હનુમાજીના પિતા શ્રી વાયુદેવતા મંદિર, વાસણા ખાતે શોભાયાત્રારૂપી અમો જઈએ છીએ અને જન્મોત્સવ મનાવવાની અનુમતિ લઈને આવીએ છીએ.

એટલે આ અનુમતિ રૂપી શોભાયાત્રાનું તા.૧પ.૪.ર૦રર ને શુક્રવારે સવારે ૭.૩૦ કલાકે કેન્ટોનમેન્ટના જીઓસી તથા પ્રમુખ ટ્રસ્ટી શ્રી સુધીરભાઈ નાણાવટી દ્વારા ધાર્મિક વિધિ સંપન્ન થયા બાદ શ્રી હનુમાન કેમ્પથી પરંપરાગત યાત્રાની શરૂઆત થશે.

શોભાયાત્રામાં ખાસ વિશેષ અવનવા કરતબો સાથેનો એક અખાડો પણ જાેડાશે તથા નાસિક ઢોલ ઘંટ અને ઝાલર વગાડતા વગાડતા આ શોભાયાત્રા આગળ વધશે, શોભાયાત્રાની સાથે સાથે અમારી એક ટીમ સમગ્ર રૂટ પર પ્રસાદનું વિતરણ કરશે. શ્રી હનુમાનજી મંદિર કેમ્પની આ શોભાયાત્રાનું ૪૦ જગ્યાએ સ્વાગત થશે અને ત્યાં શ્રી હનુમાન ચાલીસાના પાઠનું પઠન થતું રહેશે.

આ શોભાયાત્રા શ્રી હનુમાનજી મંદિર કેમ્પ શાહીબાગથી- સુભાષબ્રીજ, જુના વાડજ, ઉસ્માનપુરા, ઈન્કમટેક્ષ, આશ્રમ રોડથી વલ્લભ સદન, વી.એસ. હોસ્પિટલ- પાલડી ભઠ્ઠા, ચંદ્રનગર થઈને વાસણા શ્રી વાયુદેવતાજીના મંદિરમાં વિશ્રામ કરી ચંદ્રનગર- અંજલી ચાર રસ્તા, ધરણીધર, નહેરૂનગર, સહજાનંદ કોલેજ, વિજય ચાર રસ્તા, નવરંગ સ્કુલ, સરદાર પટે બાવલા- ઉસ્માનપુરા થઈ નિજ મંદિર પરત આવશે.

શોભાયાત્રા બપોરના આશરે ૧ર થી ૧ર.૩૦ કલાકે શ્રી વાયુદેવતા મંદિર, વાસણા પહોચશે, શ્રી વાયુદેવતા મંદિરે પૂજા થશે અને છપન્નભોગ ધરાવાશે અને ત્યારબાદ પ્રસાદરૂપે ભંડારાનું આયોજન ધર્મપ્રેમી દર્શનાર્થીઓ માટે કરવામાં આવેલ છે શોભાયાત્રા બપોરના વિરામ બાદ બપોેર ર.૦૦ કલાકે શ્રી વાયુદેવતા મંદિરથી નિજ મંદિર તરફ પરત ફરશે. જે આશરે સાંજે ૭.૦૦ કલાકે નિજ મંદિર પહોંચશે.

શ્રી હનુમાનજી મંદિર કેમ્પના ટ્રસ્ટીઓએ વધુમાં તા.૧૬.૪.ર૦રર ના જન્મોત્સવ અંગેના કાર્યક્રમો વિષે માહિતી આપતા જણાવ્યું કે શનિવાર ચૈત્ર સુદ પુનમને શ્રી હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે કેમ્પ મંદિર ખાતે વહેલી સવારે મંગળા આરતી, સવારે ૭.૦૦ થી ૯.૦૦ સુંદરકાંડનો પાઠ, સવારે ૧૦.૦૦ કલાકે હનુમાન જન્મોત્સવ શુશોભીત શ્રી હનુમાનજી મંદિર કેમ્પમાં ફૂલો ઉછાળીને અવસર મનાવાશે અને ત્યારબાદ સવારે ૧૦.૩૦ કલાકે પ્રકાંડ પંડિતો દ્વારા મારૂતિ યજ્ઞનો પ્રારંભ થશે. સવારે ૧૧.૦૦ કલાકે ધ્વજારોહણ અને ૧૧.૩૦ કલાકે મહાપ્રસાદના ભંડારાનો પ્રારંભ થશે અને પ્રસાદનું વિતરણ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.