“ના જવાન, ના કિસાન, મોદી સરકાર માટે 3-4 ઉદ્યોગપતિ મિત્ર જ ભગવાન”: રાહુલ ગાંધી
નવી દિલ્હી, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સતત ટ્વીટરન માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પર હુમલો કરતા રહે છે. તાજેતરમાં ફરી એક વખત તેમણે ટ્વીટરના માધ્યમથી બજેટ મામલે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, ‘બજેટમાં સૈનિકોના પેન્શન પર કાપ, ના જવાન, ના કિસાન, મોદી સરકાર માટે 3-4 ઉદ્યોગપતિ મિત્ર જ ભગવાન!’
અગાઉ પણ રાહુલ ગાંધીએ ટ્વીટમાં વડાપ્રધાન મોદીના નામનો ઉલ્લેખ કર્યા વગર તેમના પર નિશાન સાધ્યું હતું અને તેમની તુલના તાનાશાહો સાથે કરી હતી. તેમણે ટ્વીટમાં સવાલ કર્યો હતો કે, આખરે શા માટે ઘણા બધા તાનાશાહોના નામ ‘M’થી ચાલુ થાય છે. આ સાથે જ તેમણે કેટલાક પ્રમુખ તાનાશાહોના નામ પણ લખ્યા હતા જેમાં માર્કોસ, મુસોલિની, મિલોસેવી, મુબારક, મોબુતુ, મુશર્રફ, માઈકોમ્બરોનો સમાવેશ થાય છે. આ અંગે ભાજપે ખૂબ જ આકરી પ્રતિક્રિયા આપી હતી અને મોતીલાલ નેહરૂનું નામ પણ Mથી શરૂ થાય છે તે ભૂલી ગયા એવો કટાક્ષ કર્યો હતો.
આ પહેલી વખત નથી કે રાહુલ ગાંધીએ બજેટને લઈ વડાપ્રધાન પર નિશાન સાધ્યું હોય. અગાઉ તેમણે ચીને આપણી ધરતી પર કબજો જમાવી આપણા સૈનિકોને શહીદ કરી દીધા અને PM ફોટો માટે તેમના સાથે દીવાળી ઉજવે છે તે અર્થનું નિવેદન આપ્યું હતું. સાથે જ વડાપ્રધાને જવાનો માટે સંરક્ષણ બજેટ શા માટે ન વધાર્યું તેવો સવાલ પણ કર્યો હતો. રાહુલ ગાંધીએ ભારતના રક્ષકો સાથે વિશ્વાસઘાત થયો હોવાનો દાવો કર્યો હતો. ઉપરાંત તેમણે આ બજેટને મોદીના ‘મિત્ર’ કેન્દ્રિત બજેટ ગણાવ્યું હતું.
આના પહેલાની એક ટ્વીટમાં રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, મોદી સરકારની ઉદાસીનતા અને અહંકારે 60થી વધુ ખેડૂતોનો જીવ લઈ લીધો. ખેડૂતોના આંસુ લુછવાના બદલે આ સરકાર તેમના પર ટીયર ગેસના ગોળા છોડી રહી છે. આ પ્રકારની ક્રૂરતા સાંઠગાંઠમાં રહેલા પૂંજીપતિઓના હિતને પ્રોત્સાહન આપવા માટે છે. દેશ ફરી એક વખત ચંપારણ જેવો ત્રાસ સહન કરવા તરફ આગળ વધી રહ્યો છે. તે સમયે અંગ્રેજ કંપની બહાદુર હતો, હવે મોદી-મિત્ર કંપની બહાદુર છે પરંતુ આંદોલનનો દરેક ખેડૂત-મજૂર સત્યાગ્રહી છે જે પોતાનો અધિકાર લઈને જ જપશે.