નિઃસંતાન અને માનસિક રીતે વ્યથિત આધેડનું ટ્રેનની ટક્કરથી મોત
(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરના અમરાઈવાડી વિસ્તારમાં એક આધેડે પોતાને સંતાનો નહી હોવાથી તેમજ માનસિક સ્થિતિ કથળતી જતાં કંટાળીને ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરી લેતા સનસનાટી મચી ગઈ છે આ ઉપરાંત શહેરના ઠક્કરનગર વિસ્તારમાં એક કિશોરીએ પણ પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના અમરાઈવાડી સીટીએમ પાસે આવેલી કર્ણાવતી પાર્ક સોસાયટીમાં રહેતા અમિતભાઈ કાંતિભાઈ પટેલના લગ્ન થયા હતા પરંતુ લગ્ન બાદ તેમને કોઈ સંતાન હતુ નહીં જેના પગલે તેઓ માનસિક રીતે વ્યથિત બની ગયા હતા આ ઉપરાંત પત્નિ સાથે પણ સતત અણબનાવ બનવા લાગ્યા હતા જેના પરિણામે તેમનો ગૃહસંસાર ડામાડોળ થવા લાગ્યો હતો આ દરમિયાનમાં પત્નિ સાથે વધારે રકઝક થતાં તે રિસાઈને પિયર ચાલી ગઈ હતી
જેના પગલે અમિતભાઈ વધુ વ્યથિત બન્યા હતાં આ ઘટનાઓથી લાગી આવતા તેમણે જીઆઈડીસી વટવા, ઘોડાસર પુનિતનગર ક્રોસીંગ નજીક ટ્રેનની હડફેટે આવતા ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમનું સ્થળ પર જ મોત નીપજયું હતું.
ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોચી ગયા હતાં અને તાત્કાલિક પરિવારજનોને જાણ કરી હતી અને પોલીસ અધિકારીઓએ તેઓની પુછપરછ કરતા ઉપરોક્ત વિગતો જાણવા મળી હતી.
આત્મહત્યાનો બીજા બનાવ ઠક્કરનગરમાં બન્યો છે ઠક્કરનગર વસંતનગરના છાપરામાં રહેતા બચુભાઈ પટણીની ૧૭ વર્ષની પુત્રી ટીના માનસિક રીતે અસ્વસ્થ જણાતી હતી આ દરમિયાનમાં ગઈકાલે સાંજના સમયે પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી દીધું હતું આ દ્રશ્ય જાઈ પરિવારજનોએ ભારે રોકકળ કરી મુકી હતી દરમિયાનમાં સમગ્ર ઘટનાની જાણ કૃષ્ણનગર પોલીસને કરવામાં આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા અને તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈ ટીનાના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો આત્મહત્યાનું કારણ જાણવા પોલીસે પરિવારજનોની પુછપરછ શરૂ કરી છે.