નિકમ્માના ટ્રેલર લોન્ચ વખતે પતિ વિશે સવાલ પૂછાતાં શિલ્પા ચમકી

મુંબઈ, મંગળવારે શિલ્પા શેટ્ટી, અભિમન્ય દાસાની અને શર્લી સેટિયાની ફિલ્મ નિકમ્માનું ટ્રેલર રિલીઝ થયું હતું. આ ઈવેન્ટમાં શિલ્પા શેટ્ટીને મીડિયાએ તેના જીવનમાં તાજેતરમાં આવેલા ‘મુશ્કેલ’ સમય વિશે સવાલ કર્યો હતો. ૨૦૨૧માં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની અશ્લીલ ફિલ્મો બનાવવાના કેસમાં ધરપકડ થઈ હતી.
રાજ કુંદ્રા બે મહિના જેલમાં રહ્યા બાદ જામીન પર મુક્ત થયો હતો ત્યારે આખા પરિવાર માટે સમય મુશ્કેલ હતો. મીડિયાએ આ જ સંદર્ભે ટ્રેલર લોન્ચ વખતે આ મુદ્દે સવાલ કરતાં ઈવેન્ટના હોસ્ટે તે પત્રકારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જાેકે, શિલ્પાએ તેમને રોકવાની ના પાડતાં પ્રશ્નનો જવાબ આપ્યો હતો. શિલ્પાએ પોતાની પીડાથી ભાગવાને બદલે તેનો સામનો કરતાં આ સવાલનો જવાબ આપ્યો હતો.
તેણે કહ્યું, “મને લાગે છે કે આપણે અહીં નવી શરૂઆતને ઉજવવા માટે આવ્યા છે. માત્ર મારી નવી શરૂઆત નહીં ડાયરેક્ટર સબ્બીર ખાન અને એક્ટર્સ અભિમન્ય અને શર્લીની પણ. તેમણે આ ફિલ્મ માટે ખૂબ મહેનત કરી છે. મને નથી લાગતું કે આ સમય મારા કે મારી જિંદગી અંગે ચર્ચા કરવાનો છે.
જાેકે, શિલ્પા આટલેથી ના અટકી તેણે આગળ કહ્યું તે, તેણે અને કેટલાય લોકોએ છેલ્લા થોડા મહિનાઓમાં મુશ્કેલ સમય જાેયો છે. “આપણે સૌ જિંદગીના મુશ્કેલ તબક્કામાંથી પસાર થયા છીએ. પાછલા બે વર્ષ માત્ર મારા માટે જ નહીં ઘણાં લોકો માટે કપરાં રહ્યા છે.
એકદંરે ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે પણ અઘરો સમય હતો. ફિલ્મો તૈયાર હતી પરંતુ રિલીઝ નહોતી થઈ શકતી. લોકો થિયેટરમાં આવતાં નહોતો. પરંતુ અત્યારની ક્ષણ અમારા સૌ માટે મહત્વની છે. અહીં નોંધનીય છે કે, શિલ્પા શેટ્ટીએ પત્રકારના સવાલનો સીધો જવાબ તો ના આપ્યો પરંતુ તેણે એ તો સ્વીકાર્યું કે, છેલ્લા થોડા મહિનાઓ તેના અને તેના પરિવાર માટે મુશ્કેલ હતા.
આ જ કાર્યક્રમમાં શિલ્પા શેટ્ટીએ ડાયરેક્ટર સબ્બીર ખાન પ્રત્યે આદર અને માન દર્શાવતાં તેમના ચરણ સ્પર્શ કર્યા હતા. શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુંદ્રા જામીન પર છૂટીને ઘરે આવ્યો ત્યારથી જાહેરમાં આવવાનું ટાળી રહ્યો છે. જાહેરમાં દેખાય તો પણ યેનકેન પ્રકારે મીડિયાથી બચવાના પ્રયાસમાં રહે છે. ફેસમાસ્ક અને મોટા ગોગલ્સ પહેરીને રાજ ચહેરો છુપાવવાની કોશિશ કરતો દેખાય છે.
મહત્વનું છે કે, કથિત રીતે અશ્લીલ ફિલ્મો બનાવવા અને તેને વહેંચવાના કેસમાં રાજની ધરપકડ થઈ હતી. આ કેસના કારણે શિલ્પા અને તેના પરિવારની ખાસ્સી બદનામી થઈ છે. શિલ્પા અને રાજ વિશે આ ગાળામાં મીડિયામાં ઘણું છપાયું હતું. કપલના વકીલોએ કેટલાક મીડિયા પબ્લિકેશન સામે માનહાનિનો કેસ પણ કર્યો છે.SS1MS