નિકોલના શિવ મંદિરની દાનપેટીમાંથી ૧.૭૫ લાખની ચોરી
અમદાવાદ, શહેરના નિકોલ વિસ્તારમાં ભોજલરામ સિનિયર સિટીઝન મંડળ આશ્રમમાં આવેલા શિવજી મંદિરની બે દાનપેટીમાં રહેલા ૧.૭૫ લાખ રૂપિયાની ચોરી કરી ગઠિયો ફરાર થઇ ગયો છે.
નિકોલની ધર્મનંદનપાર્ક સોસાયટીમાં રહેતા મગનભાઇ ભંડેરીએ ચોરીની ફરિયાદ નોંધાવી છે. મગનભાઇ નિકોલ-નરોડા રોડ પર ઉમા વિદ્યાલયની બાજુમાં જે ભોજલરામ સિનિયર સિટીઝન મંડળ આશ્રમ આવેલ છે તે આશ્રમના શિવજી મંદિરમાં પ્રમુખ તરીકે સેવા આપે છે. મગનભાઇ સવાર-સાંજ મંદિરમાં સેવા માટે જાય છે. અહીં મંદિરની સેવા ધીરુભાઇ મહારાજ કરે છે.
બે દિવસ પહેલા આશ્રમમાં બ્લડ કેમ્પનું આયોજન કરાયુ હતું, જેથી તે દિવસે મનગભાઇ મંદિરમાં હાજર હતા. બીજા દિવસે મંદિરમાં સાફ-સફાઇ કરતા અશ્વિનભાઇએ મગનભાઇના ઘરે આવીને મંદિરમાં ચોરી થયાની જાણ કી હતી, જેથી મગનભાઇ તરત મંદિર ગયા હતા.
વહેલી સવારે કોઇ ગઠિયો મંદિરની બાજુમાં આવેલા કમ્પાઉન્ડની દીવાલ મારફતે શિવજીના મંદિરમાં પ્રવેશ કરી બે દાનપેટીમાંથી અંદાજે રૂા.૧.૭૫ લાખની ચોરી કરીને નાસી ગયો હતો, જ્યારે મગનભાઇએ ઘટનાસ્થળે પહોંચી જઇને જાેયું તો દાનપેટી પણ તૂટેલી હતી.
ત્યારબાદ મગનભાઇએ અજાણ્યા શખ્સ વિરૂદ્ધમાં નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. (એન. આર)