નિકોલની હોસ્પિટલમાં કોવિડના દર્દીઓના ભોજનમાં જીવાતો નીકળી
(પ્રતિનિધિ)અમદાવાદ: શું કોરોના દર્દી મનુષ્ય નથી ?? આ પ્રશ્ન એટલે થાય છે કે કોવિડની સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે થતા વર્તન જવાબદાર છે. આ ઘટના નિકોલમાં આવેલ એક હોસ્પિટલની છે. જેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશને કોરોનાની સારવાર માટે મંજૂરી આપેલી છે. આ હોસ્પિટલના દર્દીઓનો એક વિડીયો વાઈરલ થયો છે. જેમાં દર્દીઓને જે ભોજન અપાય છે તેમાં જીવાત જાેવા મળી હતી. બપોરે અપાતા ભોજનમાં અને રાત્રે અપાતા ડીનરમાં જીવાતો હોવાની વાત દર્દીઓએ બતાવી હતી. એકતરફ સરકાર દ્વારા હોસ્પિટલોને કોરોનાના દર્દીની સારવાર માટે લાખો રૂપિયા અપાઈ રહ્યાં છે.
પરંતુ દર્દીઓને જે ભોજન અપાય છે તેમાં રીતસરની જીવાતો ફરતી જાેવા મળી રહી હતી. અંદાજે ૨૫થી વધુ દર્દીઓએ ભેગા મળીને વિડીયો બનાવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. દર્દીઓ જણાવી રહ્યા હતા કે જે જમવાનું અપાય છે તેનાથી ફુડ પોઈઝનીંગનો ખતરો છે. અમે અહીંયા સારવાર લઈને સારા થવા આવ્યા છીએ. પરંતુ અહીંથી જીવતા જઈશું કે નહીં તે પણ મોટો પ્રશ્ન છે. કોર્પાેરેશન દ્વારા આ અંગે તપાસ થાય તેવી લાગણી કોવિડ પેશન્ટો કરી રહ્યાં છે. તો વિપક્ષે પણ સમગ્ર મામલાની તપાસ થાય અને દર્દીઓને યોગ્ય ભોજન મળે તેવી માંગણી કરી છે.