નિકોલમાં ટાંકીનો સ્લેબ તૂટ્યોઃ કોઈ જાનહાની થઈ નથી
શહેર ના નિકોલ વિસ્તારમાં મ્યુનિ. કોર્પોરેશન ની અંડર ગ્રાઉન્ડ પાણી ની ટાંકી નો આર.સી.સી.સ્લેબ તૂટી પડ્યો હતો જેમાં સાત વ્યક્તિ દટાઈ ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષે સદર દુર્ઘટના અંગે શાસક પક્ષ ને જવાબદાર હોવાના આક્ષેપ કર્યા હતા.
મ્યુનિ.વિપક્ષી નેતા દિનેશ શર્મા એ પાણીની ટાંકીનો સ્લેબ તૂટવાની ઘટના અંગે જણાવ્યું હતું કે, “અમદાવાદ મ્યુનિ.ના ભાજપના સત્તાધીશો અને અમલદારોની મિલીભગતથી આ દુર્ઘટના ઘટી છે, ૧ મે ૨૦૧૭ના રોજ નિકોલમાં વોટર પપિંગ સ્ટેશન અને ભૂગર્ભ ટાંકી બાંધવાનો કોન્ટ્રાક્ટ ભૂપતાની એસો.ને આપવામાં આવ્યો હતો.
આ કોન્ટ્રાક્ટરે આ કામ ૧૮ મહિનામાં એટલે કે, ૧ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ કામ પૂર્ણ કરવાનું હતું પણ આજદિન સુધી કામ પૂર્ણ કર્યું નથી. મ્યુનિ.તંત્રએ ૨૭ નોટિસ આપી પણ આ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવાની તસ્દી લીધી ન હતી. આ કામમાં ગુણવતા જળવાતી નહોતી. બે મહિના પહેલા કોંગ્રેસના કોર્પોરેટર રણજીતસિંહ દ્વારા આરસીસી કામમાં તિરાડો પડયાની ફરિયાદ કરી હતી પણ કોઈ પગલાં લેવાયા ન હતા. આમ કોન્ટ્રાક્ટરને છવરવામાં આવતો હતો. પોલપોલ ચલાવી લેવાતી હતી જેથી આજે સ્લેબ તૂટ્યો જેમાં ૬ લોકોને ઇજા થઇ હતી. અમારો ખુલ્લો આક્ષેપ છે કે, ભાજપના શાસકોની કોન્ટ્રાક્ટરોને છાવરવાની નીતિને લીધે વારંવાર આવી ઘટના બને છે. કોન્ટ્રાક્ટરોને શાસકોનું પીઠબળ છે જેથી તેઓ નબળી કામગીરી કરે છે અને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકે છે. ૨૩ કરોડની ટાંકી અને વોટર પપિંગ સ્ટેશન ઉભું થઈ રહ્યું હતું પણ કોઈ સુપરવીઝન કરવામાં આવતું નહતું. નબળી ક્વોલિટીની કામગીરીને લીધે સ્લેબ તૂટ્યું હતું. આ કામમાં પોલપોલ છુપાવવા હાલમાં પણ ધમપછાડા કરાઈ રહ્યા છે. આ કામનું સુપરવિઝન કરનારા અધિકારીઓની ઘોર બેદરકારી છે પણ મ્યુનિ. સત્તાધીશો પગલાં લેવાના બદલે ભીનું સંકેલવામાં પડ્યા છે.
આ પહેલા ઓઢવમાં સરકારી વસાહતનો બ્લોક તૂટ્યો એક વ્યક્તિનું મોત થયું કોઈ પગલાં લેવાયા નથી. ઓઢવ પમ્પિંગ સ્ટેશનના ટાંકામાં પડી ચાર મજૂર મોતને ભેટ્યા કોઈ અધિકારી સામે પગલાં લેવાયા નથી. કાંકરીયા રાઈડ્સ તૂટી બે વ્યક્તિના મોત નીપજ્યાં કોઈ પગલાં લેવાયા નથી. તાજેતરમાં બોપલમાં ટાંકી તૂટી ત્રણ વ્યક્તિના જીવ ગયા પણ મ્યુનિ. તંત્ર ઊંઘતુ રહ્યું હતું. જૂની ટાંકીઓ ઉતારવાની કોઈ કામગીરી કરી નથી. નવી ટાંકીઓના કામમા ગુણવત્તા જળવાય તે માટે કોઈ કામગીરી કરાઈ નથી. માત્રને માત્ર કોન્ટ્રાક્ટરોને સાચવવાની નીતિ ચાલી રહી છે જેનો અમે વિરોધ કરીએ છીએ. તાકીદે કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરાય તેવી અમારી માગણી છે સાથે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાય તે માટે મેયર અને કમિશનરને આવેદન પત્ર આપવામાં આવશે. નાગરિકોની સુરક્ષા માટે પાણીની ટાંકીઓ સાથે તમામ સ્ટ્રક્ચર મજબૂત બને તે માટે યોગ્ય નીતિ બનાવવામાં આવે તેવી માગણી પણ છે.