નિકોલમાં ફી માફીના મુદ્દે વાલીઓનો દેખાવોઃ વાલીઓની અટકાયત
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરોનાકાળમાં શાળાઓ બંધ હોવા છતાં સચાલકો દ્વારા વાલીઓ પાસેથી ફી ઉઘરાવવા માટે મેસેજ કરવામાં આવતા વાલીઓમાં ભારે આક્રોશ જાવા મળી રહ્યો છે. આજે સવારે નિકોલ વિસ્તારના વાલીઓ એકત્રિત થયા હતા અને સાયકલ લઈને નિકોલ વિસ્તારમાં આવેલી વિવિધ શાળાઓએ પહોંચ્યા હતા. અને સંચાલકોને આવેદન પત્ર આપ્યુ હતુ.
વાલીઓ તરફથી ત્રણ માસની ફી માફી કરવામાં આવે તેવી માંગણી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના સમયગાળામાં બે મહિના શાળાઓ બંધ હોવા છતાં સંચાલકો તરફથી ફી માટે મેસેજ-ફોન કરાય છે એવો આક્ષેપ વાલીઓ કરી રહ્યા છે.
વાલીઓએ જણાવ્યુ હતુ કે કોરોનાના સમયગાળામાં નોકરી-ધંધા ઠપ્પ હતા આવા સંજાગોમાં વાલીઓ બાળકોની ફી કઈ રીતે ભરી શકે?? વળી, શાળાઓ બંધ હોવા છતાં સંચાલકો ફી કઈ રીતે વસુલી શકે. તેથી ત્રણ મહિનાની ફી માફ કરાય એવી લાગણી વાલીઓએ વ્યક્ત કરી છે. દરમ્યાનમાં દેખાવો કરી રહેલા વાલીઓને પોલીસ દ્વારા અટકાયત શરૂ કરી દેવામાં આવી હતી. વાલીઓની અટકાયત થતાં તેઓએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. અને સંચાલકો વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા.