નિકોલમાં બે ભાઈઓ પર પાંચ લુંટારૂનો હુમલો : સોનાની ચેઈન લુંટી લીધી
(પ્રતિનિધિ) અમદાવાદ, એક તરફ પોલીસ તંત્રને વધુને વધુ સાધન સજ્જ કરીને નાગરીકોની સુરક્ષા માટે તૈયાર કરવામાં આવી રહયુ છે બીજી તરફ ગંભીર પ્રકારના ગુના ઘટવાને બદલે વધી જ રહયા છે.
નિકોલ વિસ્તારમાં બે ભાઈઓ બાંધકામની સાઈટ પર ઉભા હતા ત્યારે અચાનક જ પાંચ લુંટારૂઓએ હુમલો કરીને સોનાની ચેઈનની લુંટ ચલાવી હતી.
આ ઘટનાની વિગત એી છે કે ધનજીભાઈ કોલડીયા નિકોલ ખાતે રહે છે અને લેબર કોન્ટ્રાકટર તરીકે કાર્યરત છે. હાલમાં નિકોલ ખાતે મલબાર બંગ્લોઝની બાજુમાં ખુલ્લા પ્લોટમાં ઓરડીઓ બાંધવાનું કામ ચાલુ છે રવિવારે સાંજે ધનજીભાઈ તેમના પિતરાઈ ભાઈ ભરતભાઈ સાથે તેમની સાઈટ પર કોન્ટ્રાકટ સંબંધે વાત કરતા હતા
ત્યારે સાત વાગ્યાના સુમોર અચાનક જ એક રીક્ષા તેમની બાજુમાં રોકાઈ હતી અને ચાલક સહીત પાંચ શખ્સોએ બંને ભાઈઓ ઉપર હુમલો કરી ગડદાપાટુનો માર માર્યો હતો.
ઉપરાંત એક લુંટારૂએ તિક્ષ્ણ હથિયાર વડે ધનજીભાઈના પેટમાં મારતાં તે લોહીલુહાણ થતાં લુંટારૂઓ તેમના ગળામાંથી ૪૦ હજારની કિંમતની ચેઈન લુંટીને ફરાર થઈ ગયા હતા.
આ ઘટનાની જાણ થતાં નિકોલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ અંગેની તપાસ શરૂ કરી છે.