નિકોલમાં યુવક પાસેથી એક લાખના બદલામાં વ્યાજખોરોએ લાખો પડાવ્યા
(પ્રતિનિધિ) અમદાવાદ: ઉંચા વ્યાજે વગર લાયસન્સે નાણાં ધીરવાની પ્રવૃતિ ગેરકાયદેસર હોવા છતાં વધુ નફો રળવાની લાલચે કેટલાયે વ્યાજખોરો શહેરમાં વ્યાજનો ધંધો ચલાવી રહયા છે. દસથી ત્રીસ ઉપરાંત વધુ ટકા સુધી વ્યાજ વસુલ કરતા આ શખ્સો રૂપિયા કઢાવવા માટે નાગરીકોને મારવા તથા મિલકતો પડાવી લેવાની હદ સુધી જઈ રહયા છે આવા શખ્સો વિરૂધ્ધ અવારનવાર ફરીયાદ થતાં પોલીસતંત્ર દ્વારા કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે તેમ છતાં બેફામપણે વર્તતા વ્યાજખોરો બેખોફ રીતે પોતાના ગેરકાયદેસર ધંધા ચલાવી રહયા છે. આવા જ એક કિસ્સામાં ડ્રાઈવીંગ કરી પરીવારનું ગુજરાન ચલાવતા વ્યક્તિ પાસેથી ઉંચુ વ્યાજ વસુલી ન શકતાં કેટલાક શખ્સોએ તેને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપીને મિલ્કત લખાવી લીધી છે.
જયેશ પટેલ (ર૯) અશ્વમેઘ સોસાયટી, નિકોલ- ઓઢવ રોડ ખાતે પોતાના પરીવાર સાથે રહે છે અને ખાનગી કંપનીમાં પોતાની ગાડી ચલાવે છે ત્રણ વર્ષ અગાઉ તે મહેશ પંચાલ (શ્રીનાથ રેસીડેન્સી, નિકોલ)ના સંપર્કમાં આવ્યા બાદ બે વર્ષ અગાઉ ધંધા માટે એક લાખ રૂપિયા ર૦ ટકા વ્યાજે લીધા હતા અને તેનું દર પંદર દિવસે વ્યાજ ચુકવતા હતા અને વ્યાજ ન ભરતા પેનલ્ટી ચુકવતા હતા તેમ કરતા જયેશભાઈએ એક વર્ષમાં વ્યાજ તથા પેનલ્ટી સહીત ત્રણ લાખ રૂપિયા ભર્યા હતા ત્યારબાદ પણ ટુકડે ટુકડે એંશી હજાર રૂપિયા ચુકવ્યા હતા તેમ છતાં મહેશ પંચાલે વધુ અઢી લાખની માંગણી તેમની પાસે કરી હતી અને તે ન ચુકવી શકતા મહેશે તેના ભાઈ પિયુષના નામે પોતાનું મકાન બાનાખત કરવા દબાણ કર્યું હતું.
બાદમાં મહેશે વિપુલ કરમશી દેસાઈ (સદાસીવ સોસાયટી, ઓઢવ) પાસેથી પાંચ લાખ રૂપિયા નવ ટકે અપાવ્યા હતા અને પોતે સાડા ચાર લાખ ઉપરાંત પ૧ હજાર કમીશન લઈને બાનાખત વિપુલના નામે કરી આપ્યું હતું તમામ રકમ મહેશે પડાવી લીધા બાદ પણ જયેશભાઈ વિપુલને રૂપિયા ચુકવતા હતા. દરમિયાન ધંધામાં ખોટ આવતા તે રૂપિયા ચુકવી ન શકતા વિપુલે કડક ઉઘરાણી શરૂ કરી હતી ઉપરાંત તેમનું ઘર પડાવી લેવા મહેશ તથા વિપુલ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા છેવટે જયેશભાઈ નિકોલ પોલીસ સ્ટેશનમાં બને વ્યાજખોરો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.