નિકોલમાં લુંટેરો વરરાજા દાગીના અને રોકડ લઈ ફરાર
યુવતિને જુઠુ બોલી પ્રેમજાળમાં ફસાવ્યા બાદ વિવાહિત યુવકે ગેરકાયદેસર
|
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ સહિત રાજયમાં લગ્ન ઈચ્છુક યુવકોને ફસાવીને તેઓના રૂપિયા લઈ લગ્ન કરાવ્યા બાદ લૂંટેરી દુલ્હનો દાગીના સહિતના મુદ્દામાલ લુંટીને પલાયન થઈ જવાની ઘટનાઓ વચ્ચે શહેરના નિકોલ વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ બન્યો છે જેમાં લુંટેરો વરરાજા પત્નિની દાગીના લઈને ફરાર થઈ જતાં પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે અને આ અંગે ગુનો દાખલ કરી આરોપીને શોધી કાઢવા માટે તપાસ શરૂ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ સહિત રાજયભરમાં છેલ્લા કેટલાક દિવસથી લુંટેરી દુલ્હનની વધતી જતી ઘટનાઓથી પોલીસતંત્ર એલર્ટ થયેલું છે અને એક મોટી ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે જેમાં સંખ્યાબંધ લગ્નઈચ્છુક યુવકોને લુંટી લેવામાં આવ્યા હતા આ ઘટનાની હજુ તપાસ ચાલુ છે અને રોજ નવી નવી ફરિયાદો નોંધાઈ રહી છે.
આ પરિસ્થિતિમાં શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી એક યુવતિને લુંટેરો વરરાજા ભટકાઈ ગયો હતો શહેરના નિકોલ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતી પદમા (નામ બદલેલ છે) યુવતિ થોડા સમય પહેલા રાકેશસિંહ બિહોલા નામના શખ્સના પરિચયમાં આવી હતી આ શખ્સ ભાડાની ટેક્ષી ચલાવતો હતો પદમા અને રાકેશસિંહ વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા બંને અવારનવાર મળતા હતા આ દરમિયાનમાં રાકેશસિંહ પોતે કુવારો હોવાનું જણાવતા પદમાએ લગ્ન માટેનો પ્રસ્તાવ રજુ કર્યો હતો.
પ્રેમ સંબંધ બંધાયા બાદ રાકેશસિંહે ખોટુ બોલીને પદમાને પોતાની પ્રેમજાળમાં ફસાવી દીધી હતી લાંબા પ્રેમ સંબંધ બાદ પદમા અને રાકેશસિંહે તા.ર૧.૪ ના રોજ લગ્ન કરવાનું નકકી કર્યું હતું અને આ નિર્ણય મુજબ રાકેશસિંહ અને પદમા ઘીકાંટા કોર્ટમાં પહોચી ગયા હતા અને ત્યાં તેઓએ કોર્ટ મેરેજ કર્યા હતા પ્રારંભમાં સંસાર વ્યવ્સ્થિત ચાલવા લાગ્યો હતો પરંતુ રાકેશસિંહની ગતિવિધિ શંકાસ્પદ જણાતા પદમાએ તપાસ શરૂ કરી હતી.
તેમાં લગ્નના થોડા દિવસ માં જ તેને જાણ થઈ હતી કે રાકેશસિંહ અગાઉથી જ પરણેલો છે અને તેની પત્નિ પણ હયાત છે તેણે કોઈ છુટાછેડા પણ લીધા
નથી અને ગેરકાયદેસર રીતે પોતાની સાથે બીજા લગ્ન કર્યા છે આ વાતની જાણ થતાં જ પદમાએ રાકેશસિગ સાથે બોલાચાલી કરી હતી બીજીબાજુ પોતાનો ભાંડો ફૂટી જતાં રાકેશસિહે તકનો લાભ ઉઠાવી પદમાના સોનાના દાગીના તથા રૂપિયા ૬૦ હજાર રોકડા મળી કુલ રૂ.૧.પ૦ લાખથી વધુનો મુદ્દામાલ ચોરી કરી પલાયન થઈ ગયો હતો.
ભાંડો ફૂટી ગયા બાદ રાકેશસિંહ ફરાર થઈ જતા પદમા ભારે મુશ્કેલીમાં મુકાઈ હતી પરંતુ રાકેશસિંહને કડક સજા થાય તે માટે તેણે હિંમત દાખવી નિકોલ પોલીસ સ્ટેશને પહોચી ગઈ હતી અને અધિકારીઓેને સમગ્ર હકીકત જણાવતા લુંટેરા વરરાજા રાકેશસિંહને ઝડપી લેવા માટે નિકોલ પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.
પદમાએ જણાવ્યું હતું કે રાકેશસિંહ ભાડાની ટેક્ષી ચલાવે છે અને તે એક જાણીતી કેબ કંપનીમાં નોકરી કરે છે જેના આધારે પોલીસે આ કેબ કંપનીમાં તપાસ શરૂ કરાવી છે અને ટુંક સમયમાં આરોપીને ઝડપી લેવામાં આવશે તેવુ અધિકારીઓ માની રહયા છે.