નિકોલમાં વાત કરવાનાં બહાને રોકી ચપ્પુ બતાવી રોકડ તથા રીક્ષાની લૂંટ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/10/AUTOROBBRY.jpg)
ચપ્પાની અણીએ લૂંટના ગુનામાં સતત વધારો |
અમદાવાદ : શહેરમાં પોલીસની નિષ્ક્રિયતાને કારણે લૂંટારૂઓની હિંમત ખૂબ વધી ગઈ છે. બેફામ થઇને લૂંટારૂઓ હવે ધોળે દિવસે પણ ગુના કરતાં અચકાતાં નથી. કેટલાંક કિસ્સામાં નાગરીકો દ્વારા પ્રતિકાર કરવામાં આવતાં લૂંટારૂઓ તેમની ઊપર જીવલેણ હુમલો કરે છે.
આ સ્થિતિમાં નિકોલ પોલીસની હદમાં વધુ એક લૂંટનો બનાવ બન્યો છે. જેમાં વાત કરવાનાં બહાને રીક્ષા રોકી ચાલકને ચપ્પુ બતાવી રોકડ તથા રીક્ષા લૂંટી લેવામાં આવી છે.
હિતેશ લાલજીભાઈ સિંઘવ (રહે.નરસિંહ નગર, અમરાઈવાડી) રામોલ ટોલટેક્ષ નજીકનાં ખેતરમાં મજૂરી કરે છે. તેનો મિત્ર રાહુલ રીક્ષા ચલાવે છે.
ગઇ તારીખ ૧૨મીએ કોઈ કારણોસર હિતેશ મિત્ર રાહુલની રીક્ષા લઇ તેનાં સગાને ઠક્કરનગર ખાતે મુકવા નીકળ્યો હતો. આશરે નવેક વાગ્યે રાત્રે હિતેશ ખોડીયાર નગર ચાર રસ્તા પર પહોંચતાં બે અજાણ્યા મોટરસાયકલ તેનો પીછો કરીને મોટર સાયકલ રીક્ષાની બાજુમાં લઇ વાત કરવાનો પ્રયત્ન કર્યાે હતો.
જેથી હિતેશે રીક્ષા ઊભી રાખતાં પાછળ બેઠેલાં શખ્સે તેને ચપ્પુ બતાવી ખિસ્સામાંથી રોકડ રૂપિયા સાત સો કાઢઈ લીધા હતા.
ઊપરાંત હિતેશને રીક્ષામાંથી ઊતારીને રીક્ષા પણ લૂંટીને જતાં રહ્યા હતાં. અંધારામાં મોટર સાયકલનો નંબર હિતેશ જાઈ શક્યો ન હતો. પલભરમાં બની ગયેલી ઘટનાથી ગભરાયેલા હિતેશે પોતાનાં પરીવાર તથા મિત્રોને જાણ કરતાં તે પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં. બાદમાં નિકોલ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી.