નિકોલમાં હેર સલુનમાં જુગાર રમાડતાં સંચાલક સહીત પાંચ ઝડપાયા
(પ્રતિનિધિ) અમદાવાદ : શ્રાવણ મહીનો પુરો થવા આવ્યો છે ત્યારે શહેરમાં વધુને વધુ જુગારીઓ ઝડપાઈ રહયા છે અવનવી રીતો શોધતા જુગારીઓનો અજીબ કિસ્સો નિકોલ વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમાં હેર સલુનનો માલિક સલુનમાં જુગાર રમાડતો હતો પોલીસે કાર્યવાહીમાં પ ને ઝડપી લીધા છે. જયારે કાલુપુર તથા ખોખરા પોલીસે પણ તેમના વિસ્તારમાં સઘન કાર્યવાહી કરી છે.
આ અંગેની વિગત એવી છે કે પેટ્રોલિંગ દરમિયાન નિકોલ પોલીસને લક્ષ્મણ મણીલાલ નાઈ (બાલકૃષ્ણ એપાર્ટમેન્ટ, નિકોલ) પોતાની મારુતિ હેર સલુન નામની દુકાનમાં જુગાર રમાડતો હોવાની બાતમી મળી હતી જેને આધારે પોલીસે રાજહંસ સિનેમા સામે, પ્લેટીનિયમ પ્લાઝાના ગ્રાઉન્ડ ફલોર પર આવેલી દુકાનમાં દરોડો પાડતા અંદર જુગાર રમતા શખ્સો ચોંકી ઉઠયા હતા કાર્યવાહીમાં પોલીસે જુગારના સંચાલક લક્ષ્મણ નાઈ સહીત પાંચની અટક કરી સિતેર હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
કાલુપુર પોલીસે માહીતીને આધારે તરગાડાવાડ, જુના મહાજનવાડામાં જુગાર રમતા દસ શખ્સોને ઝડપી લીધા છે ઉપરાંત સ્થળ પરથી પોલીસે બે મોબાઈલ ફોન તથા રોકડ અને જુગારના સાધનો જપ્ત કર્યા છે. ખોખરા પોલીસે પણ બાતમીને આધારે આઈ દુર્ગાની ચાલીના નાકે દરોડો પાડયો હતો તથા જુગારધામના સંચાલક કિશન સુમેર રાજપુત સહીત ૧૧ શખ્સોને ઝડપી લઈને કુલ રૂપિયા પંદર હજારનો મુદ્દામાલ પકડયો છે.