નિકોલ નજીક દુકાનમાં સૂતેલા વેપારીને છરી મારી લૂંટનો પ્રયાસ
(પ્રતિનિધિ) અમદાવાદ, નિકોલમાં વેપારી રાત્રે પોતાની દુકાનમાં સુતા હતા ત્યારે બાજુની દુકાનમાં કામ કરતા શખ્સે તેમની લુંટવાનો પ્રયત્ન કર્યો હતો જાેકે વેપારીએ પ્રતિકાર કરતા આ શખ્સ તેમની ઉપર છરી વડે હુમલો કરી ફરાર થઈ ગયો હોવાની ઘટના બહાર આવી છે. સમગ્ર ઘટનાની વિગત એવી છે કે અમિતભાઈ પંડયા મુળ કણભા, દસક્રોઈ જીલ્લાના રહેવાસી છે અને હાલમાં ભવાની ડેકોરેશન નામે કઠવાડા ખાતે દુકાન ધરાવી વેપાર કરે છે અને ત્યાં જ રહે છે તેમની બાજુમાં જ રાજસ્થાન એકસપ્રેસ નામે ટ્રાન્સપોર્ટની ઓફીસ છે.
જેમાં જીતેન્દ્ર શંકરભાઈ પટેલ કામ કરે છે અને ત્યાં જ રહે છે રવિવારે રાત્રે તે પોતાની દુકાનનું શટર બંધ કરીને સુઈ ગયા બાદ સોમવારે વહેલી સવારે સાડા ચાર વાગ્યાના સુમારે તેમની દુકાનનું શટર ખોલીને કોઈ શખ્સ અંદર આવ્યો હતો અને ભરઉંઘમાં રહેલા અમિતભાઈના ખિસ્સા ફંફોસવા લાગ્યો હતો. એ દરમિયાન અમિતભાઈની આંખ ખુલી જતા તે જીતેન્દ્ર પટેલને જાેઈને ચોંકયા હતા એ જ વખતે તેમણે બુમાબુમ કરતાં જીતેન્દ્રએ સ્ટીલની ડોલના ર-૩ ફટકા માથામાં માર્યા હતા.
બાદમાં બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. સામો પ્રતિકાર કરતા અમિતભાઈ સામે કોઈ રીતે ન ફાવતા છેવટે જીતેન્દ્રએ છરી કાઢી તેમના ગળા તથા ગરદન પર ઘા માર્યા હતા. દરમિયાન બુમાબુમ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી અને અમિતભાઈને સારવાર માટે ખસેડાયા હતા. નિકોલ પોલીસે લુંટનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે તથા ૧૮૦૦ રૂપિયાની લુંટ કરનાર ફરાર જીતેન્દ્રને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.