નિકોલ સરદારમોલનાં પાર્કીગમાંથી દારૂ ભરેલી કાર પકડાઈ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : શહેરમાં રથયાત્રાનો તહેવાર નજીક હોઈ પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે. જેને પગલે શંકાસ્પદ વાહનો તથા વ્યકિતઓનું સતત ચેકીગ કરવામાં આવી રહયું છે. જયારે પોલીસતંત્રએ પોતાનાં બાતમીદારોને પણ સક્રીય કરતાં કેટલાંક ગુનેગારો પણ ઝડપાયા છે. ખાસ કરીને ગેરકાયદેસર દારૂની હેરફેર કરતાં બુટલેગરો ઉપર પોલીસે વોચ રાખી છે. ગઈકાલે નિકોલ વિસ્તારમાં ઝોન-પ ની સ્કવોર્ડે બાતમીને આધારે એક સેન્ટ્રો કારમાંથી સાઈઠથી વધુ વિદેશી દારૂની બોટલોનો જથ્થો ઝડપી લીધો છે.
ઝોન પ સ્કોડની ટીમ નિકોલ વિસ્તારમાં પેટ્રોલીગ કરી રહી હતી. એ સમયે એક કારમાં દારૂ હોવાની બાતમી મળી હતી. જેનાં આધારે સાંજે સાત વાગે ઝોન પ સ્કવોડ નિકોલ સરદાર મોલમાં પહોચી હતી. અને મોલનાં પાર્કીગમાંથી બાતમીવાળી કાર શોધીને તેની તપાસ કરતાં કારમાંથી ૬૦થી વધુ અલગ અલગ બ્રાન્ડની બોટલો મળી આવી હતી. જેનાં પગલે ઝોન પ સ્કવોડ કર્મચારીએ બુટલેગર મયુર ઉર્ફે ચીનો (નિકોલ) દેવેન્દ્ર ઉર્ફે બંશી રામકુલસિંહ પરીહાર (ઓખા ટેક્ષટાઈલ્સની ચાલી રખીયાલ) તથા સંતોષ (અમદાવાદ) સામે પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જા કે ત્રણેય આરોપીઓ હાલમાં ફરાર છે.