નિઝામુદ્દીનમાં ધાર્મિક સભામાં ભાગ લેનારા ૬ના કોરોનાથી મોત
હૈદરાબાદ: તેલંગણામાં ૬ લોકોના કોરોના વાયરસના ચેપના કારણે મોત થતા મોટો હડકંપ મચી ગયો છે. કારણ કે આ લોકોએ દિલ્હીના નિઝામુદ્દીનમાં ૧૩ માર્ચથી ૧૫ માર્ચ વચ્ચે તબ્લીગી જમાતની ધાર્મિક સભામાં ભાગ લીધો હતો. એ અધિકૃત જાહેરાત મુજબ દિલ્હીમાં નિઝામુદ્દીન વિસ્તારના મરકઝમાં ૧૩ માર્ચથી ૧૫ માર્ચ સુધી એક ધાર્મિક સભામાં ભાગ લેનારા કેટલાક લોકોમાં કોવિડ-૧૯નો ચેપ ફેલાયો છે. આ સભામાં ભાગ લેનારા કેટલાક લોકો તેલંગણાના પણ સામેલ હતાં.
નોંધનીય છે કે તેલંગણાની સરકાર તરફથી બહાર પડેલા નિવેદનમાં કહેવાયું છે કે જે ૬ લોકોના મોત થયા છે તેમાંથી ૨ના મોત ગાંધી હોસ્પિટલ, અને ૨ના મોત ખાનગી હોસ્પિટલોમાં થયા છે. બાકીના બે લોકોમાંથી એક વ્યક્તિનું મોત નિઝામાબાદ અને બીજાનું મોત ગડવાલ શહેરમાં થયું.
અત્રે જણાવવાનું કે નિઝામુદ્દીન વિસ્તારમાં થોડા દિવસ પહેલા પ્રતિબંધો છતાં એક મોટા ધાર્મિક કાર્યક્રમનું આયોજન ચાલુ હતું. આ કાર્યક્રમમાં લગભગ ૧૪૦૦ લોકો સામેલ હતાં. સોમવાર રાતે તેમાંથી ૩૪ લોકોની તબિયત બગડી ત્યારબાદ તેમને દિલ્હીની એક સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા. જેમાંથી એક વૃદ્ધનું મોત થયું. હવે નિઝામુદ્દીન વિસ્તારમાં જમા થયેલા તમામ ૧૪૦૦ લોકોને કોરોના ટેસ્ટ માટે હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યાં છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઈસ્લામિક સંગઠન તબ્લીગ જમાત પર એફઆઈઆર દાખલ કરવાના આદેશ આપ્યાં છે. તેમના પર લોકડાઉન દરમિયાન કાર્યક્રમ યોજીને મોટી સંખ્યામાં લોકોને ભેગા કરવાનો આરોપ છે.
આ કાર્યક્રમ સુન્ની ઈસ્લામ સંબંધિત સંસ્થા તબ્લીગી જમાતનો હતો. જે વર્ષ સુધી ચાલે છે. કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા ૧૪૦૦ લોકો નિઝામુદ્દીનમાં તબ્લીગી જમાતના સેન્ટર પર આવ્યાં હતાં. તેમાં ૧૦૦ વિદેશીઓ ઉપરાંત દેશના અલગ અલગ રાજ્યમાંથી આવેલા લોકો પણ સામેલ હતાં. હવે આ મામલાની તપાસ ડબ્લ્યુએચઓ દિલ્હી સરકારનો સ્વાસ્થ્ય વિભાગ અને દિલ્હી પોલીસ મળીને કરી રહ્યાં છે. આ ઘટના બાદ અત્યાર સુધીમાં ૩૦૦ લોકોને ત્યાંથી બહાર કાઢીને અલગ અલગ જગ્યા પર રાખવામાં આવ્યાં છે.