નિત્યાનંદ સ્વામીની ઈચ્છા કેરેબિયન ટાપુને ખરીદવાની
કેરેબિયન ટાપુ ખરીદીને યુવા શિષ્યાઓ સાથે શાહી જીવન ગાળવા માટે નિત્યાનંદ નાણાં એકઠા કરવામાં વ્યસ્ત હતો
અમદાવાદ, આશ્રમમાંથી બે યુવતીઓ લાપત્તા થઇ ગયા બાદથી ફરી ચર્ચામાં આવેલા ચર્ચાસ્પદ નિત્યાનંદ સ્વામી એક કેરેબિયન દ્વીપ ખરીદીને શાહી જિંદગી જીવવાની યોજના બનાવી રહ્યો હતો. તેની એક પૂર્વ શિષ્યા સારાહા લેન્ડ્રી દ્વારા સોશિયલ મિડિયા પર આ અંગેની માહિતી આપી છે.
કેરેબિયન ટાપુ ઉપર પોતાની યુવા શિષ્યાઓની સાથે જીવન ગાળવા માટે નિત્યાનંદ ભારતના મોટા શહેરોથી નાણાં એકત્રિત કરવામાં લાગેલો હતો. પોલીસને શંકા છે કે, નિત્યાનંદ દેશમાંથી ફરાર થઇ ચુક્યો છે.
જા કે, વિદેશમંત્રાલયનું કહેવું છે કે, તેની પાસે જાતે બની બેઠેલા વિવાદાસ્પદ ગોડમેનના વિદેશ ભાગી જવાને લઇને કોઇ પણ સત્તાવાર માહિતી નથી.
મહિલાઓની સાથે સંબંધ અને અશ્લિલ સીડીને લઇને પહેલા પણ વિવાદોમાં રહેલા નિત્યાનંદ બેંગ્લોરની બે બહેનોને અમદાવાદ આશ્રમમાં લાવ્યા બાદ ફરી ચર્ચામાં આવ્યો હતો. યુવતીના પિતા જનાર્દન શર્માએ અમદાવાદ પહોંચીને નિત્યાનંદની સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી.
અમદાવાદના હાથીજણ વિસ્તારમાં સ્થિત આશ્રમ સર્વાજ્ઞ પીઠમમાં કિશોર બાળકોને બાનમાં પકડી રાખીને તથા બેંગ્લોરની બે યુવતીને લઇને ગુજરાત પોલીસે નિત્યાનંદની સામે અપહરણનો મામલો નોંધ્યો હતો. પોલીસ આશ્રમની બે સંચાલિકાઓની ધરપકડ કરી ચુકી છે. તેમની પુછપરછ ચાલી રહી છે.
બીજી બાજુ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની મંજુરી લીધા વિના આશ્રમ માટે સ્કુલની જમીન પટ્ટા પર આપવાના મામલામાં ગુજરાત શિક્ષણ વિભાગ પાસેથી રિપોર્ટની માંગ કરવામાં આવી છે. બોર્ડે રાજ્ય શિક્ષણ વિભાગને વગર મંજુરી સ્વામી નિત્યાનંદ આશ્રમને જમીન ભાડાપટ્ટે આપવાના મામલામાં તપાસ માટે પત્ર લખ્યો છે. ઝડપથી તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે. એનઓસીને લઇને પણ માહિતી મળી રહી છે.