નિત્યાનંદ કેસમાં બંને બહેનો માટે લુકઆઉટ નોટિસ જારી
અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા નિત્યાનંદ આશ્રમ મામલામાં ઉંડી તપાસનો દોર યથાવતરીતે જારી રહ્યો છે. ઇન્ટરપોલ બ્લુકોર્નર નોટિસ પણ આ મામલામાં જારી થઇ ચુકી છે. કહેવાતા ગોડમેન નિત્યાનંદના સાથીઓ દ્વારા બે બહેનોને બળજબરીથી બાનમાં રાખવાના મામલામાં ઉંડી તપાસ ચાલી રહી છે. નિત્યાનંદ પોતે હાલ ફરાર છે. તેમની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી ચુકી છે જેમાં બે બહેનોને બળજબરીપૂર્વક બાનમાં રાખવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ડિસ્ટ્રીક્ટ પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે, બ્લુકોર્નર નોટિસ પ્રક્રિયા ઉપરાંત તેમના તરફથી દેશભરમાં તમામ એરપોર્ટ ખાતે લુકઆઉટ નોટિસ પણ જારી કરવામાં આવી છે. આ બંને બહેનો માટે લુકઆઉટ નોટિસ જારી કરાઈ છે.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, બ્લુકોર્નર નોટિસ એવા લોકો સામે જારી કરવામાં આવે છે જે લોકોની પોલીસને તલાસ હોય છે. આરોપી સામે આ નોટિસ જારી કરાતી નથી પરંતુ પીડિતો અથવા તો સાક્ષીઓ માટે આ પ્રકારની નોટિસ જારી કરવામાં આવે છે. અરજી સીઆઈડી ક્રાઈમ મારફતે મોકલી દેવામાં આવી છે.
સીઆઈડી ક્રાઈમ દ્વારા આ અરજીને ત્યારબાદ સીબીઆઈને આપવામાં આવશે અને ત્યારબાદ વિદેશ મંત્રાલય મારફતે ઇન્ટરપોલ સુધી આ અરજી પહોંચશે.