નિયત સંખ્યા, સામાજિક અંતરના નિયમોનું ચોક્કસ પાલન થાય એ માટે લગ્નપ્રસંગોમાં ઓચિંતી તપાસ
દાહોદ અને સીંગવડ તાલુકામાં લગ્નસ્થળોની ઓચિંતી મુલાકાત લઇ નિયમોના પાલન બાબતે તપાસ કરવામાં આવી
દાહોદ, અત્યારે લગ્નસિઝન ચાલી રહી છે ત્યારે લોકો સ્વયંભૂ શિસ્ત દાખવીને લગ્નપ્રસંગ નિયત સંખ્યામા ઉજવે અને કોરોના બાબતની તમામ માર્ગદર્શીકાનું પાલન કરે તે જરૂરી છે. તંત્ર દ્વારા વિવિધ તાલુકાઓમાં લગ્નપ્રસંગે કોવીડ-૧૯ બાબતે નિયમોનું પાલન ન થતું હોય તો કડક કાર્યવાહી કરવા કલેક્ટરશ્રીએ જણાવ્યું છે ત્યારે ગઇ કાલે જિલ્લામાં વિવિધ જગ્યાએ તંત્ર દ્વારા ટીમ બનાવીને લગ્ન પ્રસંગની ઓંચિતી મુલાકાત લેવામાં આવી હતી અને નિયમોનું પાલન કરવામાં આવે છે કે કેમ તેની તપાસ કરવામાં આવી હતી.
દાહોદ તાલુકાના દેલસર ગામે સોમવારે તાલુકા પંચાયત ટીમ દ્વારા લગ્નસ્થળની ઓચિંતી મુલાકાત બાબતે દાહોદના તાલુકા વિકાસ અધિકારી શ્રી ભાવેશકુમાર વસાવાએ જણાવ્યું કે, દેલસર ગામે તાલુકા પંચાયત ટીમ દ્વારા ઓચિંતી મુલાકાત લઇ લગ્નસ્થળે ૧૦૦ થી વધુ વ્યક્તિઓ ભેગી થઇ છે કે કેમ, માસ્ક, સામાજિક અંતર સહિતના નિયમોનું પાલન કરવામાં આવ્યું છે કે કેમ વગેરે બાબતોની તપાસ કરવામાં આવી હતી. જો કે લગ્નસ્થળે નિયત સંખ્યાથી ઓછા વ્યક્તિઓ હતા અને નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. હાલમાં ચાલી રહેલી લગ્નસિઝનમાં દરેક ગામમાં નિયમોનું યોગ્ય રીતે પાલન થાય એ માટે સરપંચશ્રીઓને સૂચના આપવામાં આવી છે અને લગ્ન પ્રસંગે ઓચિંતી મુલાકાત લઇ સ્થળતપાસ કરવામાં આવી રહી છે.
સીંગવડ તાલુકાના લીંબોદર ગામે ઓચિંતી લગ્નપ્રસંગની મુલાકાત લઇ તપાસ બાબતે માહિતી આપતા સીંગવડના તાલુકા વિકાસ અધિકારી શ્રી રમેશભાઇ મકવાણાએ જણાવ્યું કે, તાલુકા કચેરી અને મામલતદાર કચેરી દ્વારા સયુક્ત ટીમ બનાવીને લીંબોદર ગામે યોજાય રહેલા લગ્નપ્રસંગની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. લગ્નસ્થળે કોરોના સંબધિત ગાઇડલાઇનનું પાલન થઇ રહ્યું છે કે કેમ તેની તપાસ કરવામાં આવી હતી. લગ્નપ્રસંગમાં ફક્ત ૧૦૦ વ્યક્તિની મર્યાદા, માસ્ક, સામાજિક અંતર જેવી બાબતોની તપાસ કરવામાં આવી હતી.