નિયત સમય મર્યાદામાં જ બનશે નવું સંસદ ભવન, સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટએ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ નિર્માણ કરવામાં આવનારા નવા સંસદ ભવનના બાંધકામને કેટલીક શરતો સાથે મંજૂરી આપી દીધી છે. જસ્ટિસ એ.એમ.ખાનવિલકરની અધ્યક્ષતાવાળી 3 જજોની બેન્ચે આ ચુકાદો આપ્યો. અત્યાર સુધી કોર્ટે આ પ્રોજેક્ટના કામ પર રોક લગાવી રાખી હતી. સુપ્રીમ કોર્ટે લેન્ડ યૂઝ ચેન્જ કરવાના આરોપના કારણે સેન્ર્ખલ વિસ્ટા પ્રોજેક્ટની કાયદેસરતા પર સવાલ ઊભા કરનારી અરજીને હાલ પેન્ડિંગ રાખી છે.
બેન્ચે બે અલગ- અલગ ચુકાદા આપ્યા છે. એક ચુકાદો જસ્ટિસ એ.એમ. ખાનવિલકર અને જસ્ટિસ દિનેશ માહેશ્વરીનો છે. બીજો ચુકાદો જસ્ટિસ સંજીવ ખન્નાએ આપ્યો. કોર્ટે પર્યાવરણ કમિટીના રિપોર્ટને પણ નિયમોને અનુરૂપ માન્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ પ્રોજેક્ટ માટે પર્યાવરણ મંજૂરી તથા અન્ય અનુમતિમાં કોઈ ખામી નથી, એવામાં સરકાર પોતાના પ્રોજેક્ટને લઈને આગળ વધી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે નિર્માણ કાર્ય શરૂ કરવા માટે હેરિટેજ કન્ઝર્વેશન કમિટીની મંજૂરી પણ લેવામાં આવે.
મૂળે, કેન્દ્ર સરકારની આ મહાત્ત્વાકાંક્ષી પરિયોજનાઓ સામે સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ કરવામાં આવી હતી. આ અરજીઓમાં કહેવામાં આવ્યું હતું કે યોગ્ય કાયદો પસાર કર્યા વગર આ પરિયોજનનાની શરૂ કરવામાં આવી. તેના માટે પર્યાવરણની મંજૂરીની પ્રક્રિયામાં પણ ખામીઓ છે. હજારો કરોડ રૂપિયાની આ યોજના માત્ર સરકારી ધનની બરબાદી છે. સંસદ અને તેની આસપાસની ઐતિહાસિક ઈમારતોને આ પરિયોજનાથી નુકસાન પહોંચવાની આશંકા છે. જોકે, કોર્ટે તેમાંથી કેટલીક દલીલોને ફગાવી દેતા કેટલીક શરતોની સાથે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે.