નિયમોની ઐસી તૈસી: ડાબી બાજુના ટ્રેકમાં વાહનો ઘૂસાડતા વાહન ચાલકો

ટ્રાફિક વિભાગે ડાબી બાજુ વળવા સુંદર વ્યવસ્થા ઉભી કરી પણ સીધા જવા વાળા વાહન ચાલકો ડાબીબાજુ ટ્રેકમાં ઉભા રહી જાય છે
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરીજનોએ જાણે કે “હમ નહી સુધરેગે”નું સુત્ર અપનાવ્યુ હોય તેવા દ્રશ્યો ઠેર-ઠેર જાેવા મળી રહયા છે બધા જ શહેરીજનો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી તેવુ કહેવાનો અર્થ નથી. પરંતુ બાકીના ઘણા એવા વાહનચાલકો છે કે નીતિ-નિયમોનું ઉલ્લંઘન કરી રહયા છે.
અમદાવાદ શહેરમાં ટ્રાફિક સરળતાથી પસાર થાય તે માટે પોલીસ સક્રિય છે પરંતુ લોકોનો જે સાથ સહકાર મળવો જાેઈએ તે પૂરતો મળતો નથી. ચાર રસ્તા પર ડાબી બાજુએ વળવા માટે પોલીસે ખાસ જગ્યા કરી છે તેના માટે વચ્ચે નાના બેરીકેડ જેવા સાધનો ગોઠવ્યા છે એટલે ડાબીબાજુ જે વાહનને વળવુ હોય તે આસાનીથી જઈ શકે. પરંતુ એવુ થતુ નથી.
વાહનચાલકો એ જગ્યામાં વાહનો ઘૂસાડી દે છે ઉદાહરણ તરીકે પ્રભાતચોક તથા શાસ્ત્રીનગર (પલ્લવ) પાસે ટ્રાફિક વિભાગે ડાબીબાજુ વળવા માટે સરસ વ્યવસ્થા કરી છે પ્રભાત ચોક પાસે ડાબીબાજુ વળો એટલે કે.કે નગર તરફ જવાનો માર્ગ આવે તો શાસ્ત્રીનગર (પલ્લવ) ચાર રસ્તા પાસે ડાબી બાજુ વળો એટલે આર.ટી.ઓ. તરફ જવાનો માર્ગ આવે.
ટ્રાફિકનું સરળતાથી સંચાલન થાય તે માટે ટ્રાફિક વિભાગે આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવી છે પરંતુ જેમને સીધુ જવુ છે તેવા વાહનચાલકો ડાબી બાજુ વળવાના ટ્રેકમાં વાહન ઘૂસાડી દે છે. પરિણામે ડાબી બાજુ જવાવાળા વાહનચાલકો ફસાઈ જાય છે. વાહનોના હોર્ન મારવા પડે છે.
ખરેખર તો ડાબીબાજુ વળવાના ટ્રેકમાં વાહન લઈ જઈ શકાય નહિ પરંતુ આવુ થાય છે બીજી તરફ જયાં વધારે વાહનો હોય ત્યાં છેક બીજી વખતે ડાબી બાજુ જવાવાળાઓનો વારો આવે છે ઘણી વખત તો વાહનચાલકો વચ્ચે બોલાચાલી થાય છે. ટ્રાફિક પોલીસે ડાબીબાજુના ટ્રેકમાં ઉભા રહેતા વાહનચાલકોને દંડની પાવતી આપી દેવી જાેઈએ તો જ વાહનચાલકોના વર્તનમાં સુધારો આવશે નહિ તો આ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવાનો કોઈ અર્થ રહેશે નહી.