નિરજના ભાલા માટે ૧.૨૦ કરોડ રૂપિયાની બોલી લાગી
નવી દિલ્હી, પીએમ મોદીના ૭૧મા જન્મ દિવસની ઉજવણી ભાજપ આખા દેશમાં કરી રહી છે. આ પ્રસંગે પીએમ મોદીને ગિફ્ટમાં મળેલી વસ્તુઓની ઈ હરાજી પણ યોજવામાં આવી રહી છે.
હરાજીમાં જે વસ્તુઓ મુકાઈ છે તેમાં ટોકિયો ઓલિમ્પિકમાં ભારતનુ નામ રોશન કરનાર ખેલાડીઓના બેડમિન્ટન રેકેટ, બોક્સિંગ ગ્લોવ્ઝ અને ભાલા જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.
૭ ઓક્ટોબર સુધી ચાલનારી હરાજીમાં અત્યાર સુધીમાં પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડાલિસ્ટ કૃષ્ણ નાગર અને સિલ્વર મેડલ વિજેતા સુહાસ એલવાઈના બેડમિન્ટન રેકેટ માટે ૧૦ કરોડ રૂપિયાની બોલી લાગી ચુકી છે.
કુલ મળીને ૧૩૦૦ ગિફ્ટની આ હરાજીમાં બોલી બોલાવાની છે. ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા લવલીના બોર્ગોહિનના બોક્સિંગ ગ્લોવ્ઝ ૧.૮૦ કરોડને પાર ગઈ છે. જ્યારે ગોલ્ડમેડાલિસ્ટ નિરજ ચોપરાએ જે ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો તેની અત્યાર સુધીમાં ૧.૨૦ કરોડ રૂપિયાની બોલી લાગી ચુકી છે.
પેરાલિમ્પિકમાં ગોલ્ડ જીતનારા સુમિત એન્ટિલના ભાલાની બોલી ૧ કરોડ રૂપિયા સુધી પહોંચી છે. જયારે ટોકિયો ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓના ઓટોગ્રાફવાળી ફ્રેમ માટે પણ અત્યાર સુધીમાં એક કરોડ રૂપિયાની બોલી લાગી ચુકી છે.
ભારતીય મહિલા હોકી ટીમની હોકી સ્ટીક માટે ૧ કરોડ રૂપિયા બોલી લાગી ચુકી છે. પેરાલિમ્પિકમાં ગોલ્ડ જીતનારા શૂટર મનીષ નરવાલના ચશ્માની બોલી પણ ૯૬ લાખ રૂપિયા અને બ્રોન્ઝ જીતનાર પી વી સિન્ધુના રેકેટની કિંમત પણ ૯૦ લાખને પાર જઈ ચુકી છે.HS