નિરીક્ષકે આવાસ યોજનાના ફોર્મ મંજૂર કરવા લાંચ માગી
બનાસકાંઠા: બનાસકાંઠામાં સમાજ કલ્યાણ વિભાગના નિરીક્ષક લાંચ લેતા ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે. અરજદાર પાસેથી પંડિત દીનદયાળ આવાસ યોજનાના ફોર્મ મંજૂર કરવાના ૨.૨૦ લાખ રૂપિયાની લાંચ લેતા નિરીક્ષકને એસીબીની ટીમે છટકું ગોઠવી રંગેહાથ પકડી પાડયા છે. જેમાં બે અધિકારીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાલનપુરમાં સમાજ કલ્યાણ વિભાગના નિરીક્ષક લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. ગ્રામીણ વિસ્તારોમાં પંડિત દિન દયાળ આવાસ યોજના અંતર્ગત મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે.
જે અંતર્ગત અરજદારે આ સહાયના ફોર્મ મંજૂર કરવા માટે સમાજ કલ્યાણ વિભાગના નિરીક્ષક પંકજ પટેલ અને હરેશ ચૌધરીનો સંપર્ક કર્યો હતો. જેમને અરજદાર પાસેથી તેમના તથા તેમના સગાસબંધીઓના ફોર્મ દીઠ ૮ હજાર રૂપિયાની લાંચ માંગી હતી. જેથી અરજદારે પાલનપુર એસીબી વિભાગનો સંપર્ક કરી છટકું ગોઠવ્યું હતું. જે મુજબ પાલનપુરમાં આકેસણ ચોકડી પાસે અરજદાર ૩૦ ફોર્મ મંજુર કરવા માટે ૨.૨૦ લાખ રૂપિયાની લાંચ લેતા નિરીક્ષક પંકજ પટેલ રંગેહાથ ઝડપાઇ ગયા હતા.
જ્યારે અન્ય નિરીક્ષણ રહીશ ચૌધરી મળી આવ્યો ન હતો. એસીબીની ટીમે આ લાંચિયા નિરીક્ષણને ઝડપી બે સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. થોડા મહિના પહેલા પણ પાલનપુર પાલિકાનો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો સુપરવાઇઝર ર્નિમલ ગઢવી ૧૦,૫૦૦ની લાંચના છટકામાં સપડાયો હતો.
જામપુરા વિસ્તારમાં ફરિયાદી પાસેથી ચોથા હપ્તાનો ચેક લેવા નાણાં માંગ્યા અને એસીબીએ દબોચી લીધો હતો. પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય મેળવવા પાલનપુર નગર પાલિકામાં અરજદારે ૨૦૧૮માં ફોર્મ ભર્યુ હતું. જે બાદ મકાનનું સર્વે કરાયું હતું દરમિયાન ફરિયાદીએ શરૂઆતના ત્રણ હપ્તા બેન્ક ખાતામાં જમા કરાવ્યા હતા.