નિર્ણયનગરમાં ગુંડાતત્ત્વોનો આતંક: ર૦ જેટલાં લુખ્ખાઓએ ૪૦ વાહનોમાં તોડફોડ કરી

કેટલાંક રહીશો ઉપર પણ જીવલેણ હુમલો કર્યો
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં એક તરફ પોલીસ તંત્ર સબ સલામત હોવાનું દાવો કરી રહયં છે બીજી તરફ છેલ્લા કેટલાંક દિવસોમાં બનેલા ગંભીર ગુનાઓએ પોલીસની પોલ ખુલ્લી કરી છે અને લો એન્ડ ઓર્ડરનું અસ્તિત્વ જ ન હોય એમ અસામાજીક તત્વો બેફામ રીતે વર્તી રહયા છે ત્યારે વાડજ પોલીસ સ્ટેશનની હદમાં આવતા નિર્ણયનગર વિસ્તારને વીસેક જેટલાં લુખ્ખાઓએ રીતસરનું બાનમાં લીધુ હોય તેવા દૃશ્યો સર્જાયા હતા અને આ ગુંડાઓએ રસ્તામાં પાર્કિંગ કરેલા ૪૦ જેટલા વાહનોમાં તોડફોડ કરી હતી ઉપરાંત ૪ જેટલાં લોકો ઉપર પણ ગંભીર હુમલો કરતાં તે ઈજાગ્રસ્ત બન્યા હતા.
આ દરમિયાન રહીશો રીતસરના ડરી ગયા હતા જયારે તલવાર, હોકી, પાઈપો તથા અન્ય ઘાતક હથિયારો લઈને આવેલા ગુંડાતત્વો આતંક મચાવીને પલાયન થઈ ગયા હતા અને ઘટનાના આશરે બારથી પંદર કલાક બાદ પણ તે પોલીસ પકડથી દુર હતા. સમગ્ર ઘટના વિસ્તારના ભાઈ બનવા માંગતા એક લુખ્ખા તત્વએ સ્થાનિક રહીશ સાથે કરેલી બબાલથી શરૂ થઈ હતી.
જેની વિગત એવી છે કે ર૯ વર્ષીય ગોવિંદભાઈ વર્મા નવા વાડજમાં આવેલા રેવા આવાસ યોજના ખાતે રહે છે. રવિવારે તે ઘરની સામે આવેલા પાનનાં ગલ્લે જઈ પરત આવતા હતા ત્યારે પાંચ વાગ્યાના સુમારે રોહીત ઠાકોર તથા સાગર ઠાકોર (બંને રહે. રેવા આવાસ યોજના, નવા વાડજ) સહીત ચાર શખ્શો મળ્યા હતા જેમાંથી સાગરે તેમને પકડી લીધા હતા જયારે રોહીતે ચપ્પુ બતાવી તેમની પાસેથી મોબાઈલ ફોન તથા ર૦ હજાર રૂપિયાની લુંટ કરી કોઈને કહયુ તો મારી નાખવાની ધમકી આપી હતી ચારેયે છોડતાં જ ડરેલાં ગોવિંદભાઈ નજીકમાં રહેતા બનેવી સુરેશભાઈ રાજપુત પાસે જઈ બધી વાત કરી હતી.
જેથી સુરેશભાઈ અને તેમનો મિત્ર વરુણ ચૌહાણ રોહીતના ત્યાં ગયા હતા અને વસ્તુઓ પરત માંગતા રોહીત અને તેના સાગરીતોએ તેમની ઉપર છરા, પાઈપો તથા લાકડીઓ વડે જીવલેણ હુમલો કરતા બંને જીવ બચાવીને ભાગ્યા હતા જેના પગલે ગોવિંદભાઈ તેમને લઈ ખાનગી હોસ્પીટલમાં ગયા હતા જયાંથી સારવાર બાદ રાત્રે ૧૦.૩૦ ના સુમારે તે ઘરે આવ્યા હતા એ સમયે રોહીત, સાગર તથા તેના સાગરીતો સહીત વીસેક જેટલાં ગુંડાઓનું ટોળુ હાથમાં તલવારો, પાઈપો, લાકડીઓ જેવા ઘાતકી હથિયારો લઈ મોટર સાયકલ ઉપર આવ્યા હતા અને નંદનવનમાં વાહનોમાં તોડફોડ કરી હતી આશરે ૪૦ જેટલા વાહનોમાં તોડફોડ બાદ રીક્ષામાં બેઠેલા ગોવિંદભાઈને જાેઈ જતાં માથામાં છરો મારી પાઈપો વડે હુમલો કરતાં તે બચીને સુરેશભાઈના ઘરમાં ભરાઈ ગયા હતા ત્યારબાદ નંદનવનમાં ફરીને ત્યાં રહેલા વાહનોમાં તોડફોડ કર્યા બાદ બહાર ઉભા રહેલા ભીખાભાઈ પ્રજાપતિ નામના વ્યક્તિને પણ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
આ ઘટના બાદ કોઈએ પોલીસને જાણ કરતાં વાડજ પોલીસ તાબડતોબ ઘટના સ્થળે પહોચી હતી. જાેકે આ પહેલાં રોહીત અને તેના સાગરીતો ભાગી છુટયા હતા. બાદમાં પોલીસે ગોવિંદભાઈની ફરીયાદના આધારે લુખ્ખા તત્વો વિરુધ્ધ હત્યાનો પ્રયાસ, લુંટ તથા અન્ય કલમો લગાવીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જાેકે રવિવારે મોડી રાત્રે બનેલી ઘટનાના આરોપીઓને પોલીસ સોમવારે સાંજ સુધી પણ પકડી શકી ન હતી.
આ અંગે વાત કરતાં વાડજના ઈન્ચાર્જ પીઆઈ એ.જી. જાદવે કહયું હતું કે આરોપીઓની શોધખોળ ચાલુ છે મુખ્ય આરોપી રોહીત રીઢો ગુનેગાર અને પાસામાં પણ જઈ આવેલો છે જયારે અન્ય શખ્શોની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદમાં સ્થાનિક લુખ્ખાઓનો આતંક
શહેરમાં મોટા કહેવાતાં ગુંડાતત્વોનો પોલીસ વર્ષો અગાઉ સફાયો કરી ચુકી છે પરંતુ હાલમાં કેટલાંક સમયથી અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં સ્થાનિક લુખ્ખાઓનો આતંક વધી રહયો છે જે રહીશો અને વેપારીઓને પણ કનડગત કરી રહયા છે. અમરાઈવાડી- રામોલ તથા નિર્ણયનગરમાં બનેલી ઘટનાઓ આના ઉદાહરણ છે. કેટલીક વખત સામાન્ય ટપોરીથી શરૂ થયેલાં આવા જ તત્ત્વો આગળ જતાં મોટા ગુંડા બનીને પ્રજા અને તંત્ર બંનેના માથાનો દુખાવો બની જાય છે.