નિર્ભયાના ચારેય બળાત્કારીઓને ફાંસી અપાઈ
(પ્રતિનિધિ દ્વારા) નવીદિલ્હી: દિલ્હીમાં પેરામેડીકલની વિદ્યાર્થિની નિર્ભયા સાથે બર્બરતાપૂર્ણ દુષ્કર્મ આચરનારા ચાર નરાધમ અપરાધીઓને આજે વહેલી સવારે પ.૩૦ કલાકે તિહાડ જેલમાં ફાંસી આપી દેવામાં આવી હતી. લગભગ ૭ વર્ષ- ૩ મહિના અને ચાર દિવસની લાંબી કાનૂની પ્રક્રિયાને અંતે ે આજે પવન, અક્ષય, મુકેશ અને વિનયને ફાંસીના માંચડે ચઢાવી દેતા નિર્ભયાની માતા સહિત દેશભરના નાગરીકોએ ન્યાયતંત્રમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આજે વહેલી સવારે ફાંસી અપાઈ તે પહેલાં મધરાત સુધી ફાંસીને રોકવા માટેના પ્રયાસો આરોપીઓના વકીલો દ્વારા થયા હતા. મોડીરાત્રે આરોપીઓના વકીલો તરફથી દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. પરંતુ હાઈકોર્ટે અરજીને ફગાવી દીધી હતી. હાઈકોર્ટે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ અરજી ફગાવી દીધી હતી. ત્યારપછી સુપ્રિમ કોર્ટે પણ મધરાતે ર.૩૦ વાગ્યે સુનાવણી કરી હતી. છેલ્લે ૩.૩૦ કલાકે સુપ્રિમે પણ અરજીફગાવી દેતા આરોપીઓ માટે બચવાના તમામ દરવાજા બંધ થઈ ગયા હતા.
આરોપીઓના વકીલો તરફથી રજુ કરાયેલી દલીલોને હાઈકોર્ટે સુપ્રિમ કોર્ટે ફગાવી દીધા પછી પરોઢીયે પ.૩૦ કલાકે ચારેય આરોપીઓને જલ્લાદે ફાંસીના માંચડે લટકાવી દીધા હતા. ફાંસી આપી દીધા પછી ચારેય આરોપીઓના શબને પોસ્ટમોર્ટમ કરવા માટે પોલીસ બંદોબસ્ત હેઠળ પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા હતા. જ્યાં ડો.વી.એન.મિશ્રાની આગેવાની હેઠળ પાંચ ડોક્ટરોની ટીમે ઓન રેકોર્ડીંગ પોસ્ટમોર્ટમની પ્રક્રિયા શરૂ કરી હતી.
પોસ્ટમોર્ટમ થયા પછી તેમના મૃતદેહોને તેમના પરિવારજનોને સોંપવામાં આવશે. લગભગ ચારથી પાંચ કલાક સુધી પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલશે. તે પછી જ તેમના કુટુંબીજનોને શબની સોંપણી કરવામાં આવશે. આજે સવારે જલ્લાદ પવને ચારેય આરોપીઓ, પવન, અક્ષય, મુકેશ અને વિનયને ફાંસી આપી દીધી હતી. ફાંસી આપતા પહેલાં આરોપીઓનું મેડીકલ ચેકઅપ કરાયુ હતુ. ત્યારપછી પૂજાપાઠ કરવા માટે જણાવતા તેમાંથી માત્ર એક આરોપીએ પૂજાપાઠ કર્યા હતા. બાકીના ત્રણ આરોપીઓએ ઈન્કાર કર્યો હતો. પરોઢીયે ૪.૩૦ કલાકે પૂજા પાઠની વિધિ પછી ચારેય આરોપીઓને ફાંસીના માંચડે લઈ જવાયા હતા, ત્યાં જલ્લાદ પવને તમામ આરોપીઓને ફાંસી આપી દીધી હતી. ફાંસી પછી ચારેય આરોપીઓના શબને ઉતારી દેવાયા હતા.
તમામ શબને દિલ્હીની દિનદયાળ ઉપાધ્યાય હોસ્પીટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેમની પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સામાન્ય રીતે એક શબની પોસ્ટમોર્ટમની પ્રક્રિયામાં લગભગ એક કલાકનો સમય લાગતો હોવાથી ચારેય મૃતદેહોની પોસ્ટમોર્ટમની પ્રક્રિયામાં ચારથી પાંચ કલાકનો સમય લાગશે. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ઓન રેકોર્ડીંગ કરાઈ હતી. જેમાં સીનિયર ડોક્ટર બી.અન.મિશ્રાની આગેવાની હેઠળ પાંચ તબીબોની ટીમે સમગ્ર પ્રક્રિયા હાથ ધરી હતી. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમામ ચાર આરોપીઓના મૃતદેહો તેમના પરિવારજનોને સોંપાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ૧૬મી ડીસેમ્બર, ર૦૧રના રોજ રાત્રે ૬ લોકોએ ચાલુ બસમાં પેરામેડીકલની વિદ્યાર્થિની ‘નિર્ભયા’ સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. અત્યંત બર્બરતાપૂર્ણ દુષ્કર્મ આચરના છ આરોપીઓ નિર્ભયા સાથે રહેલા તેના સાથી મિત્રને માર મારીને બસની બહાર ફેંકી દીધો હતો. ત્યારપછી તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. આ ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ઠેર ઠેર વિરોધનો વંટોળ ઉઠ્યો હતો.
દિલ્હીમાં સેકડોની સંખ્યામાં નાગરીકો ઉમટી પડ્યા હતા. અને ઠેર ઠેર દેખાવો યોજ્યા હતા. પોલીસે પણ છ આરોપીઓને દબોચી લીધા હતા. ગંભીર રીતે ઈજા પામેલી નિર્ભયાને વધુ સારવાર માટે સિંગાપુર લઈ જવામાં આવી હતી. જ્યાં ર૬મી ડીસેમ્બરના રોજ ગંભીર ઈજાગ્રસ્ત ‘નિર્ભયા’નું ઈલાજના સમયે જ મૃત્યુ થયુ હતુ.
દરમ્યાનમાં પકડાયેલા પાંચ આરોપીઓ રામસિંહ, પવન, અક્ષય, વિનય અને મુકેશને ૯ મહિના પછી સપ્ટેમ્બર ર૦૧૩માં નીચલી કોર્ટે ફાંંસીની સજા કરી હતી. માર્ચ ર૦૧૪માં હાઈકોર્ટ અને મે ર૦૧૭માં સુપ્રિમ કોર્ટે ફાંસીની સજાને યથાવત રાખી હતી. ટ્રાયલના સમયે મુખ્ય આરોપી રામસિંહે તિહાર જેલમાં જ ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી.
જ્યારે અન્ય એક દોષિત સગીર હોવાથી સુધારગૃહમાં સજા કરાઈ હતી. જે ત્રણ વર્ષમાં જ સુધારગૃહમાંથી છૂટી ગયો હતો. નિર્ભયા કેસમાં કાયદાકીય પ્રક્રિયા લગભગ ૭ વર્ષ કરતા વધારે સમય સુધી ચાલી હતી. ચારેય આરોપીઓએ આજે ૭ વર્ષ ૩ મહિના અને ૪ દિવસના અંતે પરોઢીયે પ.૩૦ કલાકે ફાંસી આપી દેવામાં આવી હતી.
નિર્ભયાના આરોપીઓેને આજે સવારે ફાંસી આપવામાં આવી તે પહેલાં ગઈકાલ મધરાત સુધી આરોપીઓએે તેમના વકીલ મારફતે બચવા માટેના પ્રયાસો કર્યા હતા. છેક મધરાત સુધી કાનૂની પ્રક્રિયા ચાલી હતી. હાઈકોર્ટે સુપ્રિમ કોર્ટે આરોપીઓના વકીલની અરજી ફગાવી દીધી હતી. અરજી ફગાવી દેધી ત્યારે મધરાતના ૩.૩૦ વાગ્યા હતા. ત્યારપછી પરોઢીયે પ.૩૦ કલાકે જલ્લાદે ચારેય આરોપીઓને ફાંસી આપી હતી. ફાંસી પછી આરોપીઓના મૃતદેહોની ચકાસણી થઈ હતી.
આ પ્રક્રિયા પૂણ થયા પછી તમામ ચાર આરોપીઓના મૃતદેહોને પોસ્ટમોર્ટમની પ્રક્રિયા માટે દિનદયાલ ઉપાધ્યાય હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ઓનકેમેરા સમક્ષ પ્રક્રિયા પૂણ થયે તમામ મૃતદેહોને તેમના પરિવારજનોને સુપ્રત કરવામાં આવશે.
ડીડીજી ખાતે સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂણ થયે તેમના પરિવારજનોને બોલાવીને મૃતદેહો અંતિમવિધિ માટે સુપ્રત કરાશે.