નિર્ભયા રેપ કેસના ચાર ગુનેગારોને એક સાથે અપાશે ફાંસી
નવી દિલ્હી, દેશભરમાં ચકચાર જગાવનાર નિર્ભયા રેપ કાંડના ચારે આરોપીઓને એક સાથે જ ફાંસી આપવામાં આવશે. હાલમાં આ ચારે દોષીઓ તિહાડ જેલમાં બંધ છે. જેલમાં ફાંસી આપવા માટે અત્યાર સુધી એક જ માંચડો હતો પણ જેલ સત્તાધીશોએ ચારે ગુનેગારોને એક સાથે ફાંસી આપવા માટે બીજા ત્રણ માંચડા તૈયાર કરાવી દીધા છે. તિહાડ જેલ જેલની પહેલી એવી જેલ બની છે જ્યાં ફાંસી માટે એક સાથે ચાર માંચડા બનાવાયા છે.
આ કામગીરી કરવા માટે જેલમાં જેસીબી મશિન પણ મંગાવાયુ હતુ. કારણકે ત્રણ નવા માંચડા તૈયાર કરવા માટે જરુરી છે કે તેની નીચે ટનલ પણ બનાવવામાં આવે. કારણકે ફાંસી આપ્યા બાદ આ ટનલમાંથી જ મૃતદેહને ઉતારીને બહાર કાઢવામાં આવતો હોય છે. ચારે ગુનેગારોને ફાંસીએ ચઢાવવા માટેની તમામ કાર્યવાહી પુરી થયા બાદ કોર્ટમાંથી બ્લેક વોરન્ટ જારી કરાશે. એ પછી તેમને ફાંસીના માંચડા નજીકની સેલમાં શિફ્ટ કરાશે.
રાષ્ટ્રપતિ પાસે જ્યારે એક ગુનેગારે દયાની અરજી કરી ત્યારે સવાલ ઉઠ્યો હતો કે, જો તમામને ફાંસી આપવાનો વારો આવ્યો તો એક-એક કરીને ફાંસી અપાશે કે એક સાથે તેમને ફાંસી પર ચઢાશે. જોકે તેના કારણે હવે જેલ તંત્રે બીજા ત્રણ માંચડા પણ તૈયાર કરી દીધા છે.