નિર્મલા સીતારમણે તોડ્યો 17 વર્ષ જૂનો રેકોર્ડ, અત્યાર સુધીનું સૌથી મોટુ બજેટ ભાષણ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/02/Bajet_Sitaraman-2.jpg)
નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે એક ઈતિહાસ રચ્યો છે. નિર્મલા સીતારમણ દ્વારા બજેટ 2020 પર આપવામાં આવેલી સ્પીચ સ્વતંત્ર ભારતનું સૌથી લાંબુ ભાષણ બની ગયું છે. સીતારમણે પોતાનું ભાષણ સવારે 11 વાગ્યે શરૂ કર્યું હતું, જે બપોરે 1:40 મિનિટ સુધી ચાલ્યું હતું. આમ નાણામંત્રી અંદાજે 2 કલાક અને 40 મિનિટ સુધી પોતાની બજેટ સ્પીચ આપતા રહ્યા હતા.
પોણા ત્રણ કલાક જેટલા લાંબા બજેટ ભાષણના અંતમાં ગળુ ખરાબ થવાના કારણે નાણામંત્રી નિર્મલા સીતારમણ અંતિમ 2-3 પેજ વાંચી શક્યા નહતા. આખરે તેમણે લોકસભા અધ્યક્ષની મંજૂરીથી તેને વાંચેલી સમજીને સદનમાં રાખી હતી. નાણામંત્રીએ શનિવારે લોકસભામાં નાણાંકીય વર્ષ 2020-21 માટે સામાન્ય બજેટ રજૂ કર્યું. જે બાદ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ લોકસભા સોમવાર સુધી સ્થગિત કરી હતી.
અગાઉ આ રેકોર્ડ જસવંત સિંહના નામે હતો. 2003માં કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયી સરકારમાં નાણામંત્રી રહેલા જસવંત સિંહે 2 કલાક 15 મિનિટ સુધી બજેટનું ભાષણ વાંચ્યું હતું. આજ રીતે જો શબ્દોના હિસાબે જોઈએ તો, નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલા મનમોહન સિંહે આટલું લાંબુ ભાષણ આપ્યું હતું. મનમોહન સિંહે 1991ના બજેટ ભાષણમાં 18,177 શબ્દો હતા. 2019માં નિર્મલાના ભાષણમાં ઉર્દુ, હિંદી અન તમિલ દોહાઓ પણ સામેલ કરવામાં આવ્યા હતા. આ વખતે પણ સીતારમણે પરંપરાને યથાવત રાખતા કાશ્મીરી કવિ પંડિત દિનાનાખ કૌલ નદીમના કાશ્મીરી ભાષામાં લખેલી કવિતા વાંચી હતી.
અત્યાર સુધી સૌથી ટૂંકી બજેટ સ્પીચ કોણે આપી હતી? તો જણાવી દઈએ કે, વર્ષ 1977માં નાણામંત્રી હિરૂભાઈ એમ પટેલે 800 શબ્દોનું અત્યાર સુધીનું સૌથી ટૂંકૂ બજેટ ભાષણ આપ્યું હતું. જો કે તે અંતરિમ બજેટ હતું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ ઈન્દિરા ગાંધીના બાદ સતત બીજી વખત બજેટ રજૂ કરનાર પ્રથમ મહિલા નાણામંત્રી બની ગયા છે. અગાઉ કોઈ પણ મહિલા નાણામંત્રીએ સતત બે વખત બજેટ રજૂ નથી કર્યું.