Western Times News

Gujarati News

નિલમે આત્મવિશ્વાસથી પડકાર ઝીલ્યો ને પ્રેમી સચિન વિશ્વાસથી શ્રેષ્ઠ વક્તા સાબિત થયો

પ્રતિકાત્મક તસવીર

પ્રેમની વસંત બારે માસઃ નિલકંઠ વાસુકિયા

નદીમાં ખળ ખળ નિર્મળ નીર વહી રહ્યું છે અને ગ્રામજનો નદીના કિનારા પર આવી પ્રાકૃતિક સૌંદર્યનુ અનેરૂ દ્રશ્ય નિહાળી રહ્યા છે. ઝરમર વરસાદ પણ વરસી રહ્યો છે અને ધરતી પુત્ર માનવામાં આવતા ખેડૂતો ખેતરના કામમાં વ્યસ્ત બની ગયા છે. આવા સમયે ખેડૂત પરિવારમાં બાળકનો જન્મ થાય છે અને તેનું નામ સચિન રાખવામાં આવે છે. તો બીજી બાજુ નજીકના શહેરના એક પરિવારમા પુત્રીનો જન્મ થાય છે અને તેનું નામ નીલમ રાખવામાં આવે છે.

પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવીને માધ્યમિક શાળાના શિક્ષણ માટે સચિન શહેરની હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવે છે અને ત્યાં પ્રથમ વખત નીલમ સાથે મુલાકાત થાય છે. સચિન ખૂબ હોશિયાર છે પરંતુ થોડું શરમાળ સ્વભાવનો હોવાથી ઝડપથી કોઈની સાથે હળી મળી શકતો નથી. જ્યારે નીલમ ચપળ હોવા છતાં કોઈ પણ વ્યક્તિ સાથે હળીમળી જાય છે.

નીલમની સૌથી મોટી ખાસિયત તેનો આત્મવિશ્વાસ છે અને તે બીજા લોકોનો પણ આત્મવિશ્વાસ વધારવાનું કામ કરી રહી છે. સચિન ક્લાસ રૂમમાં બેસીને અભ્યાસ કરી રહ્યો હોય છે ત્યારે અચાનક નીલમ તેની પાસે આવીને બેસે છે અને તેને સ્કૂલની વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેવા જણાવે છે.

“મેં આજ સુધી ક્યારે પણ વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો નથી અને હું બધાની સામે બોલી પણ નહીં શકું” તેમ સચિને કહ્યું ત્યારે નિલમે કહ્યુ “હું જાણું છું કે તારી પાસે જ્ઞાનનો ભંડાર છે અને જો તું વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લઈશ તો લોકોને પણ ખબર પડશે કે તું શ્રેષ્ઠ વક્તા છે.” “હા એ વાત સાચી છે કે મારી પાસે જ્ઞાન છે પરંતુ તેને રજૂ કરવાની આવડત ઓછી છે” તેમ સચિને કહ્યું.

“એક વખત હિંમત કરીને સ્ટેજ ઉપર પહોંચી જા અને કોઈનો પણ વિચાર કર્યા વગર તારા મનમાં જે વિચારો છે તેને રજૂ કર. તું શ્રેષ્ઠ વક્તા છું અને આ જ આત્મવિશ્વાસના આધારે તારે વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેવાનો છે” તેમ નિલમે કહ્યું. નીલમ અને સચિન વચ્ચે આવો વાર્તાલાપ ચાલી રહ્યો હોય છે ત્યારે વર્ગ શિક્ષક આવે છે અને તે સચિનને વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેવાનું રહે છે પરંતુ સચિન કોઈની સામે નહીં બોલી શકું તેવી જીદ લઈને બેસી જાય છે. વર્ગ શિક્ષક દ્વારા સચિનને મનાવવાની જવાબદારી નીલમને આપવામાં આવે છે.

થોડા દિવસ પછી નીલમ સચિનને ફરી મળે છે અને કહે છે કે મેં આપણા બંનેનું વકતૃત્વ સ્પર્ધામાં ફોર્મ ભરી દીધું છે અને જો તું મને મિત્ર માનતો હોય તો વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેવાનો છે ત્યારે સચિન કંઈ બોલી શકતો નથી અને મિત્રતા નિભાવવા માટે વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેવાની હા પાડે છે. વકતૃત્વ સ્પર્ધામાં બોલવા માટે સચિન ઉભો તો થાય છે પરંતુ પોતાના વિચારો વ્યક્ત કરી શકતો નથી. સ્ટેજ પર સચિન ખૂબ ગભરાયેલો જોવા મળે છે અને તે બોલતા પણ થોડો અચકાય છે. ગણતરીની મિનિટમાં જ પોતાનું વક્તવ્ય પૂરું કરી સચિન પોતાની જગ્યાએ બેસી જાય છે.

આ જોઇ નીલમ પોતે વક્તવ્ય આપ્યા વગર સચિન પાસે આવીને હિંમત આપે છે. આ ઘટના પછી સચિનના મનમાં નીલમ પ્રત્યે માન વધી જાય છે અને સચિન નીલમને પોતાની સાચી પથદર્શક માનવા લાગે છે. સ્કુલનો અભ્યાસ પૂર્ણ થયા પછી સચિન નીલમના ઘરે પહોંચે છે અને આગળના અભ્યાસ માટે સલાહ માંગે છે. થોડી ચર્ચા વિચારણાના અંતે સચિન અને નીલમ શહેરની જાણીતી કોલેજમાં પ્રવેશ મેળવવાનું નક્કી કરે છે અને બંને એક જ કોલેજમાં પ્રવેશ મળી જાય છે.

કોલેજના અભ્યાસ દરમ્યાન ક્લાસરૂમ હોય કે પછી કેમ્પસ નીલમ અને સચિન એકબીજાની સાથે જોવા મળી રહ્યા છે. નીલમનો આત્મવિશ્વાસ અને સચિનનું જ્ઞાન કોલેજના કોઈ પણ કાર્યક્રમની સફળતાની ગેરન્ટી બની જાય છે. જેને કેટલાક વિદ્યાર્થીઓને ઇર્ષા થઇ રહી છે અને સચિનને ફસાવીને આ જોડી તોડવા માંગે છે. યોજના પૂર્વક કોલેજની હિરોઈન જેવી લાગતી યુવતી સચિન સાથે સંપર્ક વધારવાનું શરૂ કરે છે.

થોડા દિવસોમાં સચીનની નજીક પહોંચી જાય છે. પછી સીમા નામની યુવતી સચિને પ્રેમ કરતી હોવાનું નિલમને જણાવવામાં આવે છે અને સચિન જ્યારે સીમાને અભ્યાસ માટે મદદ કરી રહ્યો હોય છે આ દ્રશ્ય દૂરથી યોજનાબદ્ધ રીતે નીલમને બતાવવામાં આવે છે. બધાને લાગી રહ્યું છે કે હવે નીલમ સચિન પર ગુસ્સે થશે ને મિત્રતાનો અંત આવી જશે. પરંતુ નીલમ સચીનની પાસે જાય છે અને સચિનને શાંતિથી પૂછે છે કે સચિન તારા દિલમાં કોણ છે? આ સાંભળીને સચિન એકદમ સ્તબ્ધ થઈ જાય છે. નીલમ તુ આ શું કહી રહી છે સચિન ને પૂછ્યું ત્યારે નિલમે ફરી કહ્યું કે તારા દિલમાં કોણ છે? સચિને કહ્યું કે તારે પુછવાની જરૂર ક્યાં છે? તું તો જાણે જ છે કે મારા દિલમાં કોણ છે તેમ છતાં પણ નીલમ જીદ પકડી રાખતા સચિને કહ્યું કે મારા દિલમાં હંમેશા નીલમ જ નિવાસ કરે છે અને નીલમ જ રહેશે. આ સાંભળીને નિલમ ખુબ જ ખુશ થઇ જાય છે અને કોલેજમાં બધાની હાજરીમાં સચિનને ભેટી પડે છે. આ દ્રશ્ય જોઈ સીમા તો ત્યાંથી ચાલતી થઈ જાય છે અને તેના મિત્રો પણ કોલેજ કેમ્પસથી બહાર નીકળી જાય છે. તેઓની યોજના ઊંધી પડે છે અને નીલમ અને સચિન પ્રેમનો એકરાર કરી એકબીજાની વધુ નજીક આવી જાય છે.

પરંતુ ઇર્ષાળુઓ અહીંથી અટકતા નથી ને યુનિવર્સિટીકક્ષાની વકતૃત્વ સ્પર્ધામા ભાગ લેવા માટે સચિનની જાણ બહાર તેનું ફોર્મ ભરીને મોકલી દે છે. જ્યારે કોલેજના નોટીશ બોર્ડ પર વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેનારની યાદીમાં સચિનનું નામ નિલમ જુએ છે ત્યારે બધુ સમજી જાય છે કે શુ બન્યુ હશે. પરંતુ આ જ સમયે નીલમ દ્રઢ સંકલ્પ લે છે કે આ સ્પર્ધામાં સચિન જ અવ્વલ આવશે. નીલમ સચિન પાસે પહોંચે છે અને કહે છે કે તારે યુનિવર્સિટી કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાનો છે અને તારે મારા માટે જીતવાનું છે. સચિનમાં ભરપૂર આત્મવિશ્વાસ ભરવાનું કામ નિલમ કરે છે અને સામે સચિન પણ પોતાના જ્ઞાનનો ભરપુર ઉપયોગ કરીને પ્રિયતમા નિલમ માટે વક્તૃત્વ સ્પર્ધા જીતવા મહેનત કરી રહ્યો છે. નીલમનો આત્મવિશ્વાસ અને સચિનનો નીલમ પ્રત્યેનો વિશ્વાસ આ બંનેના સમન્વયથી સચિનનો ડર દૂર થઇ જાય છે.

એક દિવસ કોલેજ કેમ્પસમાં સચિન ગાડી ઉપર ચઢી જાય છે અને ત્યાંથી બધા વિદ્યાર્થીઓને બોલાવે છે. સચિન પહેલી વખત કોલેજમાં વક્તવ્ય આપવાનું શરૂ કરે છે. સચિનને સાંભળીને બધા જ વિદ્યાર્થીઓ આશ્ચર્યચકિત થઈ જાય છે અને કહે છે કે બે-ચાર વિદ્યાર્થીઓની વચ્ચે બોલતા અચકાતો સચિન આજે કોઈ મોટા નેતાની જેમ જાહેરમાં ભાષણ કરી રહ્યો છે. આ બધું નીલમના વિશ્વાસના કારણે જ શક્ય બન્યું છે અને તે સચિન પણ જાણે છે. યુનિવર્સિટી કક્ષાની વકતૃત્વ સ્પર્ધામાં સચિન ડર્યા વગર ભાગ લે છે. સ્ટેજ પર વક્તવ્ય શરૂ કરે છે અને જ્યારે વક્તવ્ય પૂર્ણ થાય છે ત્યારે સભાખંડમાં ઉપસ્થિત તમામ લોકો ઉભા થઈ ને તાળીઓના ગડગડાટથી સચિનને વધાવે છે ત્યારે સચિન કહે છે કે આ સન્માનનો હકદાર હું નહિ મારી પ્રિયતમા નીલમ છે. નીલમને પણ સ્ટેજ પર બોલાવવામાં આવે છે અને સચિન અને નીલમ બંનેનું સન્માન કરવામાં આવે છે. આખરે નિલમના વિશ્વાસની જીત થાય છે અને પ્રેમી સચિન શ્રેષ્ઠ વક્તા સાબિત થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.