નિવૃતિમાં પ્રવૃત્તિ…
નિવૃત માનવી જો મનમાં ધારે તો વિવિધ પ્રવૃતિઓમાંથી પોતાની ગમતી પ્રવૃતિ કરો શકે છે જેમ કે બાગકામમાં પ્રવૃત રહેવાથી, ચાલવાથી કે દોડવાથી, મનગમતી રમતગમતમાં ભાગ લેવાથી કે જોવાથી, વાંચનાલયમાં જઈ સાહિત્યનું વાંચન કરવાથી અથવા લેખન કરવાથી, સમાજ સેવા કરવાથી કે વ્યવહારિક કાર્ય કરવાથી, પોતાના કાર્યક્ષેત્રમાં માનદૂ સેવા આપવાથી અથવા વરિષ્ઠ નાગરિકો જોડે ચર્ચા વિચારણા કરવાથી, પોતાના વિચારો આદાન-પ્રદાન કરવાથી, પ્રવચનો સાંભળવાથી કે ટી. વી. કે રેડિયો પર આવતાં સારા કાર્યક્રમો જોવાથી કે સાંભળવાથી તથા નિસર્ગ નિહાળવાથી, યોગ કે કસરત કરવાથી ફાયદાકારક બની રહે છે.
કહે શ્રણુ આજ, પ્રવૃતિ જ છે રામબાણ ઈલાજ હતાશા કે નાસીપાસનો, બની રહેશે બાળકથી માંડીને બુઝુર્ગ જો કાર્યશીલ, બની ન રહો નિષ્ક્રિય જિંદગીમાં, ન’કર લાગશે જીવન કંટાળાજનક, ડૂબી જાશો ખોટા વિચારોમાં અથવા બની જાશો ગુનાહિત માનસ, માનવી નિવૃત થતાં પ્રવૃતિ કરી ન શકે તેવું છે જ નહિ.
પરંતુ અમુક નિવૃત માનવીઓ નિસાસા નાખીને કહેતા હોય છે કે હવે બેસી રહીને કે પડી રહીને સમય પસાર કરવો બહુ અઘરો લાગે છે. તેઓને મન આજ સુધી તેઓએ ઘણું જ કામ કર્યું હોવાથી તથા બીજું નવું કામ કરવાનું મન થતું ન હોવાથી હવે આરામની જરૂરત લાગતી હોય છે. એમ કરીને તેવી વ્યક્તિઓ આળસુ ને એદી બનીને પડી રહે છે અથવા બપોરે ટી. વી. પર આવતાં કાર્યક્રમો જોવા, આરામ કરવો પાડોશીઓ જોડે નિંદા- કૂથલી કરીને ગામગપાટા મારીને સમય પસાર કરવામાંથી ઊંચા આવતાં નથી.
કહે શ્રેણુ આજ….બની જાઓ પ્રવૃતિમય, મળે માનસિક શાંતિ તુજને, કરી વિવિધ મનગમતી પ્રવૃતિ, મળે શારીરિક તંદુરસ્તી તુજને, બેસી ન રહો, પડી ન રહો કે ન થાઓ હતાશ કદી, બની જાશો ન ‘કર આળસુ- એદી કે નિરાશ હરઘડી,
નિવૃત રહેવાથી પોતાનો સમય વેડફાઈ જાય છે અને સમય વેડફાયાની સમજ આવતાં ઘણું મોડું થઇ ગયું હોય છે જેથી સમયનો સદ્ઉપયોગ કરવા પ્રવૃતિમય બની રહો.
આજે મળેલો માનવભવ હવે પછી ક્યારે પાછો મળશે તેની કોઇને પણ ખબર નથી તેથી મળેલા માનવભવનો પૂરેપૂરો ફાયદો માનવીએ ઉઠાવવો જોઇએ. સમય અટકતો નથી જેથી સમયનો સદ્ઉપયોગ કરવા માનવીએ વિવિધ પ્રવૃતિઓમાં પોતાની મનગમતી પ્રવૃતિ કરતાં પોતાને ફાયદો થાય છે.
કહે શ્રેણુ આજ… જિંદગી છે ચાર દિવસની, કરો કોઇ ને કોઇ મનગમતી પ્રવૃતિ, બની જાશે મન પ્રફુલ્લિત અને બની જાશે જિંદગી રસમય, રડતા રહેશો જીવનભર, તો લોકો હરખાશે તુજ વિદાય બાદ, હસતા રહો, હસાવતા રહો, યાદ કરશે લોક તુજને વિદાય બાદ ‘નવરો નખ્ખોદ વાળે’ જે વ્યક્તિ કામધંધા વિનાનો રહેતો હોય છે તે ખોટા માર્ગે ચડી પણ જઈ શકે છે.
પ્રવૃતિમાં વ્યસ્ત રહેતો વ્યક્તિ શારીરિક કે માનસિક થકાવટથી તેને નિંદ્રા પણ સારી આવે છે જેથી તે હરહમેંશ બીજે દિવસે ઉઠતાં જ તે તાજગી અનુભવતો હોય છે. કહે શ્રેણુ આજ…. પરોવો મન પ્રવૃતિમાં દિલથી, તો બની જાશે તુજ મન પ્રફુલ્લિત, કરશો કોઈ પ્રવૃતિ, તો મીઠી નિંદર આવતાં બની જાશે મધુર જામિની.