નિવૃત્ત શિક્ષકની દરિયાદિલીથી ગ્રામજનો અભિભૂત થયા

સરડોઈમાં નિવૃત્ત શિક્ષકની દાતારીથી ગ્રામજનો અભિભૂત-હાઈસ્કુલ અને મંદિરના વિકાસ માટે રૂ.૨ લાખનું દાન આપતાં સન્માન
સરડોઈ, મોડાસા તાલુકાના સરડોઈમાં નિવૃત્ત શિક્ષક લાલાભાઈ સોમાભાઈ રાઠોડ દ્વારા હાઈસ્કુલ તેમજ ચામુંડા ધામના વિકાસ માટે રૂ.૨ લાખનું માતબર દાન આપવામાં આવતા નિવૃત્ત શિક્ષકની દરિયાદિલીથી ગ્રામજનો અભિભૂત થયા છે.
દાતા છેલ્લા ઘણા સમયથી હિંમતનગર રહેતા હોવા છતાં ગામ પ્રત્યેની તેમની લાગણી બતાવી યથાયોગ્ય રકમનું દાન આપવા બદલ ગ્રામજનો દ્વારા તેમનું ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત જાણકારી મુજબ તાલુકાના સરડોઈ ગામની શૈક્ષણિક સંસ્થા એ.એમ.શાહ હાઈસ્કુલ અને આસ્થાના પ્રતિક સમા ચામુંડા ધામના વિકાસ માટે પ્રયત્નો થઇ રહ્યા છે જેમાં ગ્રામજનોનો સમય સમયે યથોચિત ફાળો મળી રહ્યો છે. તાજેતરમાં જ નિવૃત્ત શિક્ષક લાલાભાઈ રાઠોડે હાઈસ્કુલના વિકાસમાં રૂા.૧ લાખનું દાન આપ્યાં
પછી ચામુંડા મંદિરના વિકાસ માટે પણ વધુ રૂા.૧ લાખનું દાન આપી મિસાલ પૂરી પાડતા ચામુંડા સેવા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ ઈશ્વરભાઈ ભાવસાર, પૂજારી અરૂણ ભાઈ ગોર, કેળવણી મંડળના પ્રમુખ કાંતિભાઈ સોની, અરવિંદભાઈ આચાર્ય તેમજ ટ્રસ્ટી પરિવારના સભ્યો દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગામની વિવિધ સંસ્થાઓના વિકાસ માટે દાતાઓના મળતા સહયોગમાં વાલ્મીકી સમાજના અગ્રણી અને નિવૃત્ત શિક્ષકે ઉદારતાથી દાન આપી અન્ય લોકો માટે સમરસતાનું ઉદાહરણ પુરુ પાડ્યું છે.