નિવૃત્ત PSI-તેમના પુત્ર સાથે રોકાણના નામે ૫૮ લાખની ઠગાઇ
અમદાવાદ, નવરંગપુરા વિસ્તારમાં નિવૃત્ત પીએસઆઇ અને તેમના પુત્ર સાથે બે શખ્સો ધર્મ હેલ્થ અને રિધમ ડિવાઇન હેલ્થ કેર કંપનીમાં રોકાણ કરી વધુ નફો આપવાના બહાને ૫૮ લાખની ઠગાઇ કરી ફરાર થઇ ગયા છે. બંને શખ્સોએ કંપનીમાં નોકરી કરી ભાગીદાર બનાવી છેતરપિંડી આચરતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
ગોતાના રોયલ રેસીડેન્સીમાં રહેતા ભાવેશપુરી બાવાએ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ભાવેશપુરી ઘરેથી ઓનલાઇન ઇલેક્ટ્રોનિક્સનો વેપાર કરે છે. ભાવેશપુરીની ઓળખાણ વર્ષ ૨૦૧૭માં નવરંગપુરામાં રહેતા દર્શન પ્રવીણચંદ્ર વ્યાસ સાથે થઇ હતી અને તેના મારફતે સુરતના વિશાલ ગાંધી સાથે પરિચયમાં આવ્યો હતો,
જેમાંથી દર્શન વ્યાસ ધર્મ હેલ્થ કેર નામની પ્રોપરાઇરશિપ ધરાવે છે તેમજ દર્શન વ્યાસ અને વિશાલ ગાંધી સંયુક્ત રીતે રીધમ ડિવાન હેલ્થ કેરના નામે દવા ટ્રેડિંગ કંપનીની ભાગીદારી પેઢી ચલાવે છે. આ બંનેએ તેઓ કંપનીમાં દવા બનાવવાનું અને ટ્રેડિંગનું કામ કરતા હોવાનું જણાવ્યું હતંું.
ભાવેશપુરીના પિતા મહેન્દ્રપુરી કડી જિલ્લાના બાવલુ પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે નિવૃત્ત થતાં તેમના પીએફ/ગ્રેચ્યુઇટીના પૈસા મળ્યા હોવાની માહિતી આ બંને શખ્સોને મળી હતી, જેથી આ બંનેએ ભાવેશપુરી અને તેમના પિતાને પૈસા તેમની પેઢીમાં રોકાણ કરવાનું જણાવ્યું હતું.
આ બંનેના વિશ્વાસમાં આવી ભાવેશગીરીએ દર્શન વ્યાસની ધર્મ હેલ્થ કેર નામની પ્રોપરાઇટર પેઢીના બેન્ક એકઉન્ટમાં પિતાના ખાતામાંથી કુલ ૫૦ લાખની રકમ ચૂકવી હતી. દર્શન વ્યાસ અને વિશાલ ગાંધીની પાર્ટનરશિપની કંપનીના બેન્ક એકાઉન્ટમાં ભાવેશપુરીના પિતાએ પોતાના ખાતામાંથી ૮ લાખની રકમ ટ્રાન્સફર કરી હતી.
ભાવેશપુરી તેમજ નિવૃત્ત પીએસઆઇ મહેન્દ્રપુરીના ખાતામાંથી મળેલી ૫૮ લાખ ૫૫ હજારની રોકડ રકમ મેળવીને દર્શન અને વિશાલે ભાવેશપુરીને રીધમ ડિવાઇન હેલ્થ કેરમાં એક્ઝિક્યુટીવ તરીકે નોકરી પર રાખ્યા હતા અને તેના પીએસઆઇ પિતાને ધર્મ હેલ્થ કેરમાં એકાઉન્ટ મેનેજર તરીકે નોકરી પર રાખ્યા હતા. વર્ષ ૨૦૧૯માં ભાવેશગીરીએ તમામ રકમનો સમજૂતી કરાર કર્યો હતો, જે કરાર મુજબ તે જ્યારે પણ પૈસા પરત માગે ત્યારે બંને દ્વારા પરત આપવાનું નક્કી કરાયું હતું.
સિક્યોરિટી પેટે ધર્મ હેલ્થ કેર કંપનીના સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનો ૩૩ લાખનો ચેક તેમજ રીધમ ડિવાઇન હેલ્થ કેર કંપનીના અલગ-અલગ ચેક આપ્યા હતા. આ બંને ભાવેશ અને તેના પિતાને માર્ચ -૨૦૧૯થી ગાર આપતા ન હોવાથી તેણે નોકરી છોડી હતી અને દર્શન અને વિશાલે તેઓની કંપનીમાં રોકાણ કરવાના બહાના હેઠળ તેની પાસેથી માતબર રકમ મેળવી લીધી હોવાની જાણ થઇ હતી.
ભાવેશપુરીને પૈસાની જરૂર ઊભી થતાં પોતાની રકમ પરત માગી હતી, ત્યારે દર્શન અને વિશાલે રકમ પરત આપી નહીં તેમજ દર્શન વ્યાસે તેની ધર્મ હેલ્થ કેર નામની પ્રોપરાઇટર પેઢી તથા બંનેની સંયુક્ત પાર્ટનરશિપ ધરાવતા રીધમ ડિવાઇન હેલ્થ કેર કંપની બંધ કરી દીધી હતી તેમજ દર્શન અને વિશાલે સિક્યોરિટી પેટે આપેલ ચેક ભાવેશપુરીએ બેન્કમાં જમા કરાવતા તે ચેક રિટર્ન થયો હતો.
ત્યારબાદ ભાવેશપુરી જાણ થઇ કે દર્શન અને વિશાલે તેની અને નિવૃત્ત પીએસઆઇ પિતા સાથે ઠગાઇ કરતાં ભાવેશપુરીએ આ સમગ્ર ઘટનાની જાણ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં કરી હતી. ભાવેશપુરીએ દર્શન વ્યાસ અને વિશાલ ગાંધી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતાં હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.